ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ માર્કેટ યાર્ડમાં ૩૩ લાખ કિલો મગફળી એક દિવસમાં ઠલવાઈ

Text To Speech
  • ખેડૂતો પોતાની જણસી યાર્ડમાં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે
  • મગફળી ભરેલા આશરે 800 વાહનોની કતારો લાગી હતી
  • અડદ, ચણા, તલી વગેરે જણસીની પણ નોંધપાત્ર આવક રહી

રાજકોટ બેડી માર્કેટ યાર્ડ મગફળીથી છલકાતું માર્કેટ યાર્ડ બન્યુ છે. જેમાં એક દિવસમાં 1.65 લાખ મણ મગફળીની આવક થઇ છે. સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ ક્વિન્ટલે રૂ. 6783 એટલે કે પ્રતિ મણ રૂ.1356.60 જાહેર કર્યા છે તે સામે રાજકોટ યાર્ડમાં હાલ રૂ.980થી 1264નો ભાવ એટલે કે ટેકાના ભાવથી ઓછા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો પોતાની જણસી યાર્ડમાં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

મગફળી ભરેલા આશરે 800 વાહનોની કતારો લાગી હતી

એક જ દિવસમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડ કે જે વિવિધ જણસી માટે સૌરાષ્ટ્રનું સૌથી મોટુ યાર્ડ બની રહ્યું છે ત્યાં 1,65000 મણ એટલે કે 3300 ટન (૩૩ લાખ કિલો) મગફળી એક દિવસમાં ઠલવાઈ હતી. અગાઉ મગફળીની આવક સાથે તેનું વેચાણ (વેપારીઓ દ્વારા ખરીદી) પણ વધતા યાર્ડના સત્તાધીશોએ મગફળીની આવક માટે દરવાજા ખોલ્યા હતા. આ સાથે જ મગફળી ભરેલા આશરે 800 વાહનોની કતારો લાગી હતી અને યાર્ડમાં ઠેરઠેર મગફળીના ઢગલા થયા હતા.

અડદ, ચણા, તલી વગેરે જણસીની પણ નોંધપાત્ર આવક રહી

ખેડૂતોને યાર્ડમાં મગફળી વેચવાથી કોઈ લાંબી પ્રક્રિયા વગર કિંમતનું તુરંત ચૂકવણુ થતું હોવાથી, તેમજ થોડો નબળો માલ રિજેક્ટ કરવાને બદલે ઓછા ભાવે ખરીદી લેવાતો હોવાથી ખેડૂતો યાર્ડમાં વેચવાનું વધુ પસંદ કરે છે. મગફળી ઉપરાંત સોયાબીનની પણ 750 ટન એટલે કે 37500 મણ ની આવક નોંધાઈ છે. સોયાબીનના રૂ.750થી 881ના ભાવે સોદા પડયા હતા. આ ઉપરાંત કપાસ, જુના ટૂકડા ઘંઉ, અડદ, ચણા, તલી વગેરે જણસીની પણ નોંધપાત્ર આવક રહી છે.

આ પણ વાંચો: જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમ્યાન 7 યાત્રિકોના હાર્ટ એટેકથી મોત

Back to top button