અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદઃ નવો રોડ ધસી પડતા 5 લોકો ભૂવામાં પડ્યા; આંખે મોત જોઈ જતાં ભગવાનનો આભાર માન્યો; કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો

Text To Speech

અમદાવાદ, ૧૨ નવેમ્બર, અમદાવાદ શહેરના ઉસ્માનપુરા ગામ તરફ જતા રસ્તે સોમવારે સવારે 11 વાગે અચાનકથી મુખ્ય રોડ ધસી પડ્યો હતો. આશરે છ મહિના પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નવો રોડ બનાવવામાં આવ્યો હતો. રોડ પાસે નાના મોટા મકાન આવેલા છે. ઘણા વર્ષોથી લોકો ત્યાં રહે છે પરંતુ ગઈકાલે સવારે આટલો મોટો ભુવો પડતા રોડ ધસી જતા બે થી ત્રણ મકાનો ભુવામાં ગરકાવ થયા છે. આશરે પાંચથી છ લોકો ઘરના ફળિયામાં ઊભા હતા જે જમીનમાં ધ્રુજારો થતા ભૂવામાં ઘરકાવ થયા હતા.

5 થી 6 માણસો ભૂવામાં પડ્યા, સ્થાનિકોએ બચાવ્યા
પીડિતોના જણાવ્યા મુજબ સોમવારે સવારે 11 વાગે રોડ આખો ધ્રુજીને જમીનમાં દબાઈ ગયો. જેના કારણે બાલ્કની માં ઉભા રહેલા આશરે 5 થી 6 માણસો ભુવામાં પડી ગયા હતા. તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પડી ગયેલા લોકોને ભુવામાંથી માંડ માંડ બહાર કાઢ્યા હતા. 20 ફૂટ ઊંડે રોડ ધસી પડતા સ્થાનિકો મોતના મુખમાંથી બહાર આવ્યા છે.

કોર્પોરેશન દ્વારા રોડ બંધ કરી દેવાયો
ઘટનાની જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થતા તાત્કાલિક ધોરણે કર્મચારીઓ આવીને રોડને બંધ કરી દીધો હતો. જોકે સ્થાનિકો દ્વારા નગરસેવકને પણ જાણ કરાઈ હતી પરંતુ નગરસેવક દ્વારા જવાબદારીમાંથી છટકી જાય તેવા જવાબો ત્યાંના લોકોને મળ્યા હતા. સાથે કોર્પોરેશન દ્વારા ત્યાંના મકાન માલિકોને નોટિસ આપવામાં આવી હતી કે રોડ પાસે રહેતા તમામ મકાનો તથા લોકોનાં માલ સામાનની જવાબદારી કોર્પોરેશન તથા તંત્રની રહેશે નહીં તેવું સ્થાનિકોએ ઉમેર્યું હતું.

ભ્રષ્ટાચાર થયો છે, કડક કાર્યવાહીની માંગ
નવો રોડ ધસી પડતા સ્થાનિકો દ્વારા તંત્રો ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે મોટા પાયા ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ મામલે જો કોઈનું મૃત્યુ થયું હોત તો તેની સંપૂર્ણ જવાબદારી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો તથા જવાબદાર અધિકારીઓની રહી હોત, તેથી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારી ઉપર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને આવા તમામ ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવા પ્લોટના ક્ષેત્રફળ મુજબ ચાર્જ લેવાશે

Back to top button