સાંસદ કંગના રનૌતની મુસીબત વધી, આગ્રા કોર્ટે નોટિસ ફટકારી
- ખેડૂતોના આંદોલન અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને આપેલા નિવેદનનો મામલો
આગ્રા, 12 નવેમ્બર: હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓ વધી ગઈ છે. આગ્રાની જિલ્લા અને સત્ર અદાલતે ખેડૂતોના આંદોલન અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને આપેલા નિવેદનના મામલામાં કંગના રનૌતને નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નોટિસ દ્વારા કંગના રનૌતનો જવાબ માંગ્યો છે.
એડવોકેટે કેસ દાખલ કર્યો હતો
આગ્રા બાર એસોશીએશનના અધ્યક્ષ એડવોકેટ રમાશંકર શર્માએ ખેડૂતોના આંદોલન અને મહાત્મા ગાંધી વિશેની ટિપ્પણીઓના મામલે કંગના રનૌત વિરુદ્ધ આગ્રા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આજે મંગળવારે આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ રમાશંકર શર્માએ 11 સપ્ટેમ્બર 2024ના રોજ સ્પેશિયલ કોર્ટ MP MLA કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે કંગના રનૌત વિરુદ્ધ ખેડૂતો અને રાષ્ટ્રપિતાનું અપમાન કરવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 2021માં કંગના રનૌતે ખેડૂતોના આંદોલન અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગાલ પર થપ્પડ મારવાથી ભિક્ષા મળે છે, સ્વતંત્રતા નહીં. કંગનાએ કહ્યું હતું કે, દેશને વાસ્તવિક આઝાદી 2014 પછી મળી છે. તેમજ ખેડૂતોના આંદોલનને લઈને કહેવામાં આવ્યું હતું કે કૃષિ કાયદાના વિરોધમાં ખાલિસ્તાની આતંકવાદીઓ સામેલ છે. આ બંને નિવેદનો બાદ કંગનાનો જોરદાર વિરોધ થયો હતો.
આ પણ જૂઓ: શાહરૂખ ખાનને ધમકી આપનારની પોલીસે કરી ધરપકડ, 50 લાખની કરી હતી માંગ