ગુજરાત: ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, લાખોની ભીડ ઉમટી
- આજથી લીલી પરિક્રમા શરુ થઇ છે જે 15 નવેમ્બર સુધી ચાલશે
- ભોજન-પ્રસાદ માટે પરિક્રમાના માર્ગ પર 50થી વધુ અન્નક્ષેત્રો ધમધમતા થયા
- એક દિવસ પહેલા જ ઉમટી પડ્યો ભાવિકોનો પ્રવાહ
ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. જેમાં લાખોની ભીડ ઉમટી છે. ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આજથી લીલી પરિક્રમા શરુ થઇ છે જે 15 નવેમ્બર સુધી ચાલશે. લાખોની ભીડ ઉમટતી હોવાથી યાત્રામાં હાલાકી ન પડે તે માટે સેંકડો લોકોએ એક દિવસ પૂર્વે જ પરિક્રમા શરુ કરી દીધી છે.
આજથી લીલી પરિક્રમા શરુ થઇ છે જે 15 નવેમ્બર સુધી ચાલશે
ગિરનારની લીલી પરિક્રમાનો દેવી ઊઠી અગિયારસની મધ્યરાત્રિએ વિધિવત પ્રારંભ થાય છે, ત્યારે અગાઉથી જ ભાવિકોનો પ્રવાહ આવવાનો શરુ થયો છે. જેમાં પરિક્રમાર્થીઓએ એક દિવસ પૂર્વે જંગલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે તળેટી વિસ્તારમાં અન્નક્ષેત્રમાં હરિહરનો સાદ ગુંજી રહ્યો છે. પોણા લાખથી વધુ લોકોના આગમનથી તળેટી વિસ્તારમાં મેળા જેવો માહોલ સર્જાયો છે.
ભોજન-પ્રસાદ માટે પરિક્રમાના માર્ગ પર 50થી વધુ અન્નક્ષેત્રો ધમધમતા થયા
ભવનાથ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં વાહનોના ખડકલો જોવા મળ્યો છે. આગોતરી પરિક્રમા માટે ભીડ ન થાય તેથી રૂપાયતન રોડ પર જ પોલીસ દ્વારા બેરિકેટ લગાવી પરિક્રમાર્થીઓને ભવનાથ તળેટીમાં પરત મોકલવામાં આવી રહ્યા છે, જેથી લાલ ઢોરી પાસે આ વખતે જૂજ લોકો જોવા મળી રહ્યા છે. લીલી પરિક્રમામાં આશરે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે, ત્યારે તેમના ભોજન-પ્રસાદ માટે પરિક્રમાના માર્ગ પર 50થી વધુ અન્નક્ષેત્રો ધમધમતા થયા છે. આ આયોજકો પાસેથી તેઓ પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં કરે તેવી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી છે.