ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં 11 ઉગ્રવાદીઓના મૃત્યુ બાદ તણાવ, કુકી સંગઠને બંધનું કર્યું એલાન

ઇમ્ફાલ, 11 નવેમ્બર: મણિપુરમાં ગત વર્ષે 3 મેથી શરૂ થયેલી હિંસાનો સિલસિલો અટકવાનો કોઇ સંકેત દેખાઇ રહ્યો નથી. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં હિંસાની 8 અલગ-અલગ ઘટનાઓ બહાર આવી છે. તાજેતરની ઘટના 11 નવેમ્બરે બની હતી, જ્યારે સશસ્ત્ર કુકી ઉગ્રવાદીઓએ જીરીબામ જિલ્લામાં બોરોબેકરા પોલીસ સ્ટેશન અને નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેઓએ બોરોબેકારા પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે આવેલા જકુરાડોર કરોંગ માર્કેટમાં અને તેની આસપાસની ઘણી દુકાનો અને મકાનોને પણ આગ લગાવી દીધી હતી. CRPFની જવાબી કાર્યવાહીમાં 11 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણ દરમિયાન CRPFના બે જવાન પણ ઘાયલ થયા હતા અને તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

 

કુકી સમુદાય દ્વારા બંધનું એલાન

સીઆરપીએફ અને પોલીસે હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને 40-45 મિનિટના ભારે ગોળીબાર બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી. ગોળીબાર બંધ થયા પછી, વિસ્તારની શોધખોળ કરવામાં આવી અને હથિયારો-દારૂગોળા સાથે સશસ્ત્ર ઉગ્રવાદીઓના 11 મૃતદેહ મળી આવ્યા. આ શંકાસ્પદ ઉગ્રવાદીઓના મૃત્યુ બાદ કુકી-જો કાઉન્સિલે મંગળવારે સવારે 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના પહાડી વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. મણિપુર પોલીસે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જેમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા. આતંકવાદીઓ સાથેના આ અથડામણમાં CRPF કોન્સ્ટેબલ સંજીવ કુમારને ગોળી વાગી હતી. તેને આસામની સિલચર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા અને તેની સારવાર ચાલી રહી છે.

પોલીસ અને કુકી સમુદાયે શું કહ્યું?

મણિપુર પોલીસે કહ્યું કે, આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આસામ રાઈફલ્સ, સીઆરપીએફ અને સિવિલ પોલીસની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કુકી-જો કાઉન્સિલે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘જીરીબામ ખાતેની દુ:ખદ ઘટનામાં, અમે અમારા કુકી-જો ગામના 11 સ્વયંસેવકોને CRPFના હાથે ગુમાવ્યા, જેમને નિર્દયતાથી ગોળી મારી દેવામાં આવી. કૂકી-જો કાઉન્સિલે 12 નવેમ્બરના રોજ સવારે 5:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરી છે, જેથી પીડિતોના આદર અને અમારા સામૂહિક દુઃખ અને એકતા વ્યક્ત કરવામાં આવે. અમારા મૂલ્યવાન ગામના સ્વયંસેવકોની હત્યા માત્ર તેમના પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર કુકી-જો સમુદાય માટે વિનાશક ફટકો છે. કુકી – જેઓ શાંતિ, ન્યાય અને સુરક્ષા માટેના આ સંઘર્ષમાં એક થયા છે. અમે આજે થયેલી હિંસાની સખત નિંદા કરીએ છીએ અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે તાત્કાલિક અને સંપૂર્ણ તપાસની માંગ કરીએ છીએ.

જીરીબામમાં આગામી આદેશ સુધી કર્ફ્યુ

બોરાબેકરા પોલીસ સ્ટેશન કે જેના પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેના પરિસરમાં એક રાહત શિબિર પણ છે અને ઘટના બાદ ત્યાં રહેતા પાંચ લોકો ગુમ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તે સ્પષ્ટ નથી કે આતંકવાદીઓએ આ નાગરિકોનું અપહરણ કર્યું હતું કે, પછી હુમલો શરૂ થયા પછી તેઓ છુપાઈ ગયા હતા. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. કેટલાક અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃતિઓને કારણે આ વિસ્તારમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની અને માનવ જાન-માલને ગંભીર ખતરો ઉભો થવાની સંભાવના છે. તેથી, આગામી આદેશો સુધી BNSS ની કલમ 163 હેઠળ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ અમલમાં રહેશે.

બોરોબેકરા સબ-ડિવિઝનમાં જૂન મહિનાથી હિંસાની ઘણી ઘટનાઓ જોવા મળી છે. આ જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે. ગયા અઠવાડિયે, જારોન હમાર ગામ પર સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 31 વર્ષીય મહિલાનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં ઓછામાં ઓછા છ ઘર બળીને રાખ થઈ ગયા હતા. ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને પહાડીઓમાં રહેતા કુકી-જો સમુદાય વચ્ચે ગયા વર્ષે 3 મેથી શરૂ થયેલી વંશીય હિંસામાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે. જીરીબામ આ જાતિ હિંસાથી મોટે ભાગે અસ્પૃશ્ય હતા. પરંતુ આ વર્ષે જૂનમાં ખેતરોમાં એક ખેડૂતની વિકૃત લાશ મળી આવ્યા બાદ અહીં પણ હિંસા જોવા મળી હતી. આગજનીની ઘટનાઓને કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો હતો. જુલાઈના મધ્યમાં પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ઓચિંતા હુમલામાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો.

આ પણ જૂઓ: શું ગોધરાકાંડથી નરેન્દ્ર મોદીને ફાયદો થયો? જાણો શું કહ્યું વિક્રાંત મેસીએ

Back to top button