‘શક્તિમાન’ બનીને ફરી ધૂમ મચાવશે મુકેશ ખન્ના: સુપરહીરોની પહેલી ઝલક રિલીઝ, જૂઓ વીડિયો
- મુકેશ ખન્નાએ આ શોની તસવીર અને વીડિયો ક્લિપ શેર કરી છે
મુંબઈ, 11 નવેમ્બર: 90ના દાયકામાં ધૂમ મચાવીને ‘શક્તિમાન’ તમામ સુપરહીરોમાંથી સુપર શિક્ષક બની ગયા. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને મુકેશ ખન્નાનું પાત્ર એટલું પસંદ આવ્યું કે આજે પણ લોકો તેમની સીરિયલ વિશે વાત કરતા રહે છે. 1997 થી 2005 સુધી ટીવી પર રાજ કરનાર આ શાનદાર શો રવિવારે બપોરે 12 વાગ્યે પ્રસારિત થતો હતો. આ કારણોસર તેને દૂરદર્શનનો સૌથી કલ્ટ શો માનવામાં આવે છે. હવે ફરી એકવાર ‘શક્તિમાન’ લોકોમાં ચર્ચામાં આવી ગયું છે. દેશના પ્રિય સુપરહીરો મુકેશ ખન્ના આ પ્રખ્યાત શો સાથે વાપસી કરવા માટે તૈયાર છે. મુકેશ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર અને યુટ્યુબ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં તેઓ શક્તિમાનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
જૂઓ વીડિયો
શક્તિમાનનું ધમાકેદાર પુનરાગમન
મુકેશ ખન્નાએ પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સને એક ખુશખબર આપી છે અને તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ભીષ્મા ઈન્ટરનેશનલ પર એક ટીઝર પણ શેર કર્યું છે. ટીઝરની સાથે તેમણે લખ્યું છે કે, ‘તેમના(સુપરહીરો) વાપસીનો સમય આવી ગયો છે. આપણા પ્રથમ ભારતીય સુપર શિક્ષક-સુપર હીરોનો. હા! જેમ જેમ અંધકાર અને અનિષ્ટ આજના બાળકો પર હાવી થઈ રહ્યું છે… તેમના(સુપરહીરો) પાછા ફરવાનો સમય આવી ગયો છે.તેઓ એક સંદેશો લઈને પાછા ફર્યા છે. તેઓ એક પાઠ ભણાવવા પાછા ફર્યા છે. આજની પેઢી માટે. તેમનું સ્વાગત કરો. બંને હાથેથી !!!!! હવે ટીઝર જુઓ.
શક્તિમાન દેશની શૌર્યગાથા સંભળાવશે
આયર્ન મેન, સ્પાઈડર મેન અને બેટમેન જેવા સુપરહીરો ભારતમાં લોકપ્રિય થયા તે પહેલા એક એવો સુપરહીરો હતો જેને ક્યારેય ભૂલી ન શકાય અને તેનું નામ શક્તિમાન છે. આ હીરો ફરી એકવાર સ્ક્રીન પર રોમાંચક કમબેક કરવા માટે તૈયાર છે. ક્લિપમાં મુકેશ ખન્નાને શક્તિમાન તરીકે દર્શાવવામાં આવ્યા છે. તે એક શાળાના કેમ્પસમાં ઉતરતા જોવા મળે છે જ્યાં તે ગાવાનું શરૂ કરે છે, ‘આઝાદી કે દિવાનો ને જંગ લડી ફિર જાને દી, અંગ અંગ કટ ગયે મગર આંચ વતન પર ના આને દી…’ તેઓ ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ અને સુભાષ ચંદ્ર બોઝ જેવા નાયકોની તસવીરો જોતી વખતે આ ગીત ગાય છે.
શો વિશે જાણો
‘શક્તિમાન’ એક ટીવી સિરીઝ હતી જે 1997માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. મુકેશ ખન્ના દ્વારા સંચાલિત, આ શોમાં કિટુ ગિડવાણી, વૈષ્ણવી, સુરેન્દ્ર પાલ અને ટોમ ઓલ્ટર જેવા કલાકારો હતા. તે 90ના દાયકાનો સૌથી લોકપ્રિય શો હતો અને લગભગ આઠ વર્ષમાં તેના 450 એપિસોડ પ્રસારિત થયા હતા. શક્તિમાનનું પાત્ર એક સુપરહ્યુમન છે, જેનામાં રહસ્યમય અને અલૌકિક શક્તિઓ છે જેને સંતોના રહસ્યમય સંપ્રદાય દ્વારા વિશ્વમાં અનિષ્ટ સામે લડવાનું કામ સોંપવામાં આવ્યું છે.
આ પણ જૂઓ: ‘દેશના મુસલમાનો ખતરામાં નથી, બધુ બરાબર છે’ વિક્રાંત મૈસીએ આપ્યું નિવેદન