ગાંધીનગર નજીક CM ભૂપેન્દ્ર પટેલે ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલનું ઉદઘાટન કર્યું
- 32 કરોડના ખર્ચે નવ નિર્મિત સંકુલમાં ઈ-લાઈબ્રેરી, ટ્રેનિંગ સેન્ટર, ઈનડોર ગેમ્સ, જીમ્નેશીયમ, જેવી અત્યાધુનિક સુવિધા
ગાંધીનગર, 10 નવેમ્બર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક કોબા – અડાલજ રોડ પર અંબાપુર ખાતે ચોર્યાસી કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૩૨ કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલ ભવન નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ચોર્યાસી સમાજના સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નવું વર્ષ નવા સંકલ્પો, નવા અવસરો સાથે શરૂ થતું હોય છે. આ ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલ સમાજના યુવાનોને આગળ વધવા માટે પ્રેરણાદાયી અને મહત્વનું કેન્દ્ર બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. શિક્ષણ – સંસ્કારની સાથે સહુના સહિયારા પ્રયાસથી કોઈ પણ સમાજનો વિકાસ થતો હોય છે તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસમાં ગરીબ, યુવા, અન્નદાતા, અને નારી શક્તિના સમન્વય થકી દેશને વધુ ઉન્નત બનાવી વૈશ્વિક પ્રગતિના પંથે લઇ જવા માટે સતત પ્રયત્નશીલ છે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યુવાનો માટે આગળ વધવાની તકો વધી રહી છે તેનો વિશેષ ઉલ્લેખ ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશના બધા સમાજ આજે શિક્ષણની બાબતમાં જાગૃત થયા છે, દરેક સમાજ શિક્ષણને લઈને કઈ રીતે સમાજ માટે ઉપયોગી થઇ શકીએ તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. ચોર્યાસી સમાજ સંસ્કાર સંકુલમાં શિક્ષણની સાથે સાથે રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને સમાજના કોઈ પણ પ્રસંગો અહી થઇ શકે તે માટે અત્યાધુનિક સુવિધાઓ પણ અહી ઉપલબ્ધ છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
આજે ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં થઇ રહ્યો છે ત્યારે ગુજરાતના યુવાનો ભણી ગણીને સમાજનું તેમજ રાજ્યનું નામ રોશન કરે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. આજે ગુજરાતમાં અનેક ઉદ્યોગપતિઓ પોતાનો સમાજ આગળ આવે તે દિશામાં વિવિધ સામાજિક કાર્ય કરી રહ્યા છે તેની સરાહના કરતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સમાજ અને સરકાર સાથે મળીને આગળ વધે તો દેશનો વિકાસની ગતિ બમણી થઇ જાય છે.
આ પણ વાંચો :- કિશ્તવાડના જંગલોમાં આતંકવાદીઓ સાથે અથડામણ, 1 જવાન શહીદ