દુર્ઘટના: વડોદરામાં ટાયર ફાટતાં ઊભેલી ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી: કલાકો સુધી ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
વડોદરા, 10 નવેમ્બર, રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યું છે અને આ અકસ્માતોને લઈને મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે તો ક્યારે અકસ્માતોને કારણે લાંબો ટ્રાફિક જામ થઈ જતો હોય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (NH) પર વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદ તરફથી સુરત તરફ જતી એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. તે દરમિયાન અચાનક પાછળથી આવી રહેલી ટ્રક આગળની ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેમાં ટ્રક ડ્રાઇવર ફસાયો હતો. ભારે જહેમત બાદ ડ્રાઇવરને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે આ રોડ પર 5 કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો.
વડોદરામાં કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતાં હાઇવે પર લીગાર્ડ હોટલ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એક ટ્રક અગાઉથી જ ત્યાં ઉભી હતી અને પાછળથી એક ટ્રક આવીને ત્યાં અચાનક જ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર ફસાયો હતો. બનાવ સ્થળે અમે ફાયર અકસ્માત રેસ્ક્યૂ કિટ અને એક એમ્બ્યુલન્સ લઈ ત્યાં પહોંચ્યા હતા. અને ફસાયેલા ડ્રાઇવરનું અઢી કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત રેસ્ક્યૂ કિટ જેમાં પેડર કટર, રેમજેક, હાઇડ્રોલિક પાવર પેક સહિતનાં સાધનો લઈ અઢી કલાક સુધી ભારે મહેનત કરી હતી. આ બંને ગાડીઓ લોડેડ હતી. આ અકસ્માતને લઈ પાણીગેટ ફાયર વિભાગની ટીમ અને કપુરાઈ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી કરી હતી.
5 કિલોમીટર જેટલો ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો
મહત્ત્વની બાબત છે કે, આ અમદાવાદ મુંબઈ નેશનલ-હાઇવે હોવાના કારણે અહીંયાંથી દિવસભર લાખો વાહનો પસાર થતાં હોય છે. ત્યારે આવા અકસ્માતના કારણે અવાર-નવાર ભારે ટ્રાફિકજામ સર્જાતો હોય છે. ત્યારે આ અકસ્માતના પગલે પાંચ કિલોમીટર જેટલો ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો, જેની અસર વાઘોડિયા ચોકડી સુધી વર્તાઈ હતી. આ અંગેની કાર્યવાહી ટ્રાફિક પોલીસે કરવાની હોય છે, પરંતુ ક્યાંય પણ ટ્રાફિક પોલીસ જોવા મળી ન હોતી જેના કારણે ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…શામળાજીના મેળામાં સ્ત્રીઓને બળજબરીપૂર્વક સ્નાન કરાવવાની પ્રથા સામે તંત્રની ચીમકી