વલસાડ: મોડી રાતે ઉમરગામ GIDCમાં વિકરાળ આગ; પ્લાસ્ટિક બનાવતી કંપની ભડકે બળતા દોડધામ મચી; દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા; કામદારોનો બચાવ
10 નવેમ્બર વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક ધૂમાળો નીકળવા લાગ્યો હતો. કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડે અન્ય 2 કામદારોને ઘટના અંગે એલર્ટ કરી ફાયર એક્સિઝ સિલિન્ડર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપની સંચાલક અને ઉમરગામ ફાયરની ટીમની ઘટનાની જાણ કરાઈ હતી. કંપનીમાં પ્લાસ્ટિકની બેગ બનતી હતી. જેથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ જોતજોતમાં કંપનીમાં ઝડપથી ફેલાવા લાગી હતી. કંપનીના સંચાલકનાં માર્ગદર્શન હેઠળ કંપનીના વોચમેને કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. બીજી તરફ ક્લિયર પોલી પ્લાસ્ટ કંપની આ આગની ચપેટમાં આવી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને લઈને મેજર ફાયર કોલ જાહેર
પ્રાપ્ત માહિતી મુજબ ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીની આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોને ઘટનાની જાણ થતાં તેઓ મદદે દોડી આવ્યાં હતા. ઉમરગામ GIDC ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગની ઘટનાની ગંભીરતાને લઈને મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉમરગામ GIDC, નગર પાલિકા સહિત કુલ 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કંપનીની ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો.
પ્લાસ્ટિકનો જથ્થો અને મશીનરી બળીને ખાખ
ફાયર ઓફિસરના જણાવ્યાં મુજબ પ્લાસ્ટિકની થેલી બનાવતી કંપની હોવાથી આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી. જેને લઈને ફાયરની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આગની ઘટનામાં પ્લાસ્ટિકનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ ગયું હતું. કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ FSLની ટીમની મદદ લઈને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે. ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતા GIDCના થર્ડ ફેજ ખાતે આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપની આજુબાજુમાં ટ્રાફિકનું સફળ સંચાલન કર્યું હતું