ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું કલમ 370 પરત લાવવી શક્ય છે? જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં થયેલા હોબાળા પાછળ ક્યા હૈ હકીકત, ક્યા હૈ ફસાના?

શ્રીનગર, 7 નવેમ્બર, 2024: શું કલમ 370 પરત લાવવાનું શક્ય છે? આ મુદ્દે નવી ચૂંટાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો થઈ રહ્યો છે. રાષ્ટ્રની એકતા વિરોધી વલણ ધરાવતા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370ને લઈને ઊહાપોહ કરી રહ્યા છે, જેને મોદી સરકાર દ્વારા 5 વર્ષ પહેલાં નાબૂદ કરવામાં આવી હતી.

જોકે, એ હકીકત છે કે વિધાનસભામાં હોબાળો કરનારા આ લોકો જાણે છે કે તેમનાથી કશું થઈ શકવાનું નથી. વાસ્તવમાં આ રાજકારણીઓ વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રચાર દરમિયાન જમ્મુ-કાશ્મીરની પ્રજાને એવું વચન આપ્યા કરતા હતા કે જો તેઓ ચૂંટાશે તો કલમ 370 પરત લાવીશું. આ મુદ્દે રાજ્યની પ્રજાને બતાવવા હોબાળો કરે છે એટલું જ નહીં પરંતુ હવે તો આ ધારાસભ્યો મારામારી પર ઉતરી આવ્યા છે. રાજ્ય વિધાનસભામાં આજે ગુરુવારે શાસક પક્ષ નેશનલ કોન્ફરન્સ અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં. ધારાસભ્યોને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. હંગામો એટલો વધી ગયો કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા આવતીકાલ સુધી સ્થગિત કરવી પડી હતી.

વિવાદ શું છે અને નેશનલ કોન્ફરન્સના દાવામાં તથ્ય કેટલું છે?

કલમ 370 પુનઃસ્થાપિત કરવાનો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેનો ભાજપ જોરદાર વિરોધ કરે છે. ભાજપનો આરોપ છે કે કલમ 370 પુનઃસ્થાપિત કરવા માટેનો ડ્રાફ્ટ સ્પીકર દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે કોઈપણ વિધાનસભા કલમ 370 અને 35A પાછી લાવી શકે નહીં.

આમ તો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગઈકાલે જ્યારે કલમ 370 અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે આવો કોી હોબાળો થયો નહોતો, પરંતુ આજે ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ ગઈ. શા માટે?

ગુરુવારે વિધાનસભામાં આ સ્થિતિ થવાનું કારણ એ છે કે, લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદ શેખના ભાઈ અને લંગેટના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે આજે વિધાનસભામાં કલમ 370 પરત લાવવાની માગણી સાથેનું બેનર લહેરાવ્યું હતું. બેનર પર લખવામાં આવ્યું હતું કે, ‘અમે કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા અને તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની માગણી કરીએ છીએ.’ જેના વિરોધમાં ભાજપના ધારાસભ્યોએ ઊભા થઈને ખુર્શીદ અહેમદ શેખના હાથમાંથી બેનર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ભાજપના ધારાસભ્યોએ તેમની પાસેથી પોસ્ટર છીનવી લીધું અને તેને ફાડી નાખ્યું, ત્યારબાદ હંગામો થયો. ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ.

શું કલમ 370ની પુનઃસ્થાપના શક્ય છે?

મોદી સરકારે અનેક વખત સ્પષ્ટ કર્યું છે કે 370નું પુનઃસ્થાપન અશક્ય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત જાણકારોએ પણ કહ્યું છે કે રાજ્ય વિધાનસભાનો ઠરાવ કેન્દ્રને બંધનકર્તા નથી. હકીકતે હોબાળો કરનારા ધારાસભ્યો સહિત બધા જ જાણે છે કે, માત્ર સંસદમાં કાયદો બનાવીને જ કલમ 370 પરત લાવવાનું શક્ય છે, પણ હાલ થોડા દાયકા સુધી એ પણ શક્ય જણાતું નથી. વળી કદાચ સંસદમાં એક સમયે ઠરાવ પસાર થઈ જાય તો પણ તેના ઉપર રાષ્ટ્રપતિની સહી જરૂરી છે અને તેમની મંજૂરી પછી જ પુનઃસ્થાપના શક્ય છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આ સમગ્ર હંગામો કલમ 370 હટાવવાના પ્રસ્તાવને લઈને થયો હતો. 5 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કલમ 370 પરત કરવાની માંગ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 6ઠ્ઠી નવેમ્બરે ભાજપે આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો પરંતુ વિરોધ હોવા છતાં શાસક પક્ષ તેમજ સ્થાનિક મુસ્લિમ ધારાસભ્યોની બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. જોકે આજે ગુરુવારે ખુર્શીદ શેખ કલમ 370 હટાવવાનું બેનર લઈને વિધાનસભા પહોંચ્યા હતા જેની સામે બીજેપી ધારાસભ્યએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપનું કહેવું છે કે નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી વાતાવરણ બગાડવા માંગે છે.

આ પણ વાંચોઃ પ્રમોશન જોઈએ છે? પ્રગતિ કરવી છે? તો આ બે બાબત શીખી લો, પછી જૂઓ તમે ક્યાં પહોંચો છો

Back to top button