પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં રેલવેને ફટકો, એક OKને કારણે ભોગવવું પડ્યું કરોડોનું નુકસાન
- પતિએ પત્નીથી છૂટાછેડા માટે અરજી પણ કરી, જેના પર નિર્ણય પણ આવી ગયો
વિશાખાપટ્ટનમ, 7 નવેમ્બર: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પતિ-પત્ની વચ્ચેના ઝગડાનો માર રેલવેને સહન કરવો પડ્યો છે, જેમાં એક OKને કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન પછી પતિએ પણ નોકરી ગુમાવી દીધી છે. પતિએ પત્નીથી છૂટાછેડા માટે અરજી પણ કરી હતી, જેના પર નિર્ણય પણ આવી ગયો છે.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે, ત્યારે તેની અસર ઘણીવાર બાળકો પર પડે છે, પરંતુ વિશાખાપટ્ટનમમાં એક વિચિત્ર બનાવ બન્યો છે, જ્યાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાની સમગ્ર રેલવે તંત્ર પર અસર પહોંચી છે. હકીકતમાં, એક રેલવે માસ્તર ફરજ પર હતા, ત્યારે તેમનો તેમના પત્ની સાથે ઝઘડો થયો. આ દરમિયાન પત્નીનો ફોન આવ્યો અને બંને વચ્ચે લાંબી બોલાચાલી થઈ. પતિએ કહ્યું કે, તે અત્યારે ડ્યુટી પર છે એટલે ઘરે જઈને વાત કરશે. આ રીતે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો OK પર પૂરો થયો.
પરંતુ આ OK બીજા સ્ટેશન માસ્તરે સાંભળી લીધું. બીજા સ્ટેશન માસ્તરે વિચાર્યું કે, તેને OK કહેવામાં આવ્યું છે અને બીજા સ્ટેશન માસ્તરે સિગ્નલ આપીને ટ્રેન રવાના કરી દીધી, જેના કારણે ટ્રેન પ્રતિબંધિત રૂટ પર ચાલી ગઈ અને અંતે તેનું પરિણામ રેલવેને ભોગવવું પડ્યું. જેના કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને રેલવે માસ્તરને પણ પોતાની નોકરી ગુમાવવી પડી.
પતિ-પત્ની વચ્ચે વિવાદ
જે પતિ-પત્નીના ઝઘડાના કારણે આવું બન્યું તેઓએ વર્ષ 2011માં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પતિ વિશાખાપટ્ટનમનો છે અને રેલવેમાં સ્ટેશન માસ્ટર હતો. પત્ની ભિલાઈની રહેવાસી છે. પતિનો આરોપ છે કે, લગ્નના બે દિવસ પછી રેલવે સ્ટેશન માસ્ટરની પત્ની તેને પોતાના અફેર વિશે જણાવે છે. જ્યારે પતિએ આ અંગે પત્નીના પિતાને ફરિયાદ કરી તો તેમણે ભવિષ્યમાં આવું કંઈ ન થવાની ખાતરી આપી પરંતુ પત્ની રાજી ન થઈ અને તે તેના પ્રેમી સાથે સતત સંપર્કમાં રહી.
હાઇકોર્ટનો સંપર્ક કર્યો
પતિનો આરોપ છે કે, તેમના પત્ની ઘણીવાર તેની સામે તેના પ્રેમી સાથે વાત કરતી હતી, જેનાથી કંટાળીને પતિએ વિશાખાપટ્ટનમ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. બીજી તરફ તેમના પત્નીએ તેના પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને કેસ દાખલ કર્યો. ત્યારબાદ પતિએ આ મામલે હાઈકોર્ટમાં જઈને અરજી કરી હતી.
પતિની તરફેણમાં લેવાયો નિર્ણય
પત્નીએ પતિ પર દહેજ માટે ઉત્પીડન અને તેની ભાભી સાથેના અવૈધ સંબંધોનો પણ આરોપ લગાવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે આ તમામ આરોપોને ફગાવીને પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી અને કહ્યું હતું કે, પત્નીના કારણે સ્ટેશન માસ્તરે નોકરી ગુમાવી છે. આ સાથે તેણે પત્નીની હરકતોને પતિ પ્રત્યેની માનસિક ક્રૂરતા ગણાવી હતી.
આ પણ જૂઓ: આ કયો રિવાજ છે? વર-કન્યાનો આ વીડિયો જોઈને તમે પણ પૂછશો સવાલ