ગુજરાત STને દિવાળીના તહેવારો ઉપર રૂ.16 કરોડથી વધુની આવક થઈ
- રાજ્યમાં કુલ 6617 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી
- એક સપ્તાહમાં 7 લાખથી વધુ ટિકિટો બુક કરાઈ
- ૪ નવેમ્બરે એક દિવસમાં એડવાન્સ બુકીંગથી રૂ.3.15 કરોડની આવકનો રેકોર્ડ થયો
ગાંધીનગર, 6 નવેમ્બર : દિવાળીના તહેવારો ધ્યાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા તા.29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ગુજરાતમાં કુલ 6617 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં એક સપ્તાહમાં 7 લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ.16 કરોડથી વધુની આવક એસ.ટી નિગમે કરી હતી.
આ ઉપરાંત 4 નવેમ્બરના રોજ મુસાફરો દ્વારા એક દિવસમાં 1.41 લાખથી વધુ સીટોનું તેમજ રૂ.3.15 કરોડનું બુકિંગ કરીને અત્યાર સુધીના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ સ્થાપ્યો હતો, સાથોસાથ સુરત ખાતેથી સૌથી વધુ 1359 એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી નિગમે 86599 જેટલા મુસાફરોને સમયબદ્ધ પોતાના વતન પહોચાડી કુલ રૂ.2.57 કરોડની આવક કરી હતી, એમ માર્ગ પરિવહન વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળીનો તહેવાર નાગરીકો પોતાના વતનમાં જઈને જ ઉજવે છે તેવી એક પરંપરા રહી છે. આ તહેવારોને ધ્યાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં મુસાફરોને યોગ્ય અને પુરતી સુવિધા આપવા એસ.ટી નિગમ નિરંતર પ્રયાસ કરી રહ્યું છે.
ગુજરાતના નાગરીકોએ પોતાના માદરે વતન સહીત વિવિધ સ્થળોએ જવા માટે એસ.ટીની સલામત સવારી અપનાવે છે, જેના ભાગરૂપે તા.29 ઓક્ટોબરના રોજ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગે 85437 ટિકિટો બુક કરીને રૂ.2 કરોડથી વધુની આવક મેળવી છે. આ ઉપરાંત તા.30 ઓક્ટોબરના રોજ 83426 સીટો દ્વારા રૂ.1.96 કરોડથી વધુની આવક મેળવી હતી.
જ્યારે કે, તા.31 ઓક્ટોબરના રોજ 82190 સીટો દ્વારા રૂ.1.92 કરોડથી વધુ, તા.1 નવેમ્બરના રોજ 94018 સીટો દ્વારા રૂ.2.16 કરોડથી વધુની આવક, તા.2 નવેમ્બરના રોજ 102314 સીટો દ્વારા રૂ.2.27 કરોડ, તા.3 નવેમ્બરના રોજ 128841 સીટો દ્વારા રૂ.2.84 કરોડથી વધુ તેમજ સૌથી વધુ તા.4 નવેમ્બરે 141468 સીટોના બુકિંગ સાથે નિગમે રૂ.3.15 કરોડથી વધુની આવક મેળવી છે, એમ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
આ પણ વાંચો :- મેલાનિયા ટ્રમ્પે રચ્યો ઈતિહાસ: અમેરિકાના પ્રમુખની ‘ત્રીજી પત્ની’ બીજી વખત બનશે ‘First lady’