કલમ 370 બહાલ કરવા કેન્દ્ર સાથે વાતચીત કરશે અબ્દુલ્લા સરકાર, વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો
જમ્મુ અને કાશ્મીર, 6 નવેમ્બર : કલમ 370ની પુનઃસ્થાપના તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લા સરકારે બુધવારે વિધાનસભામાં એક ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવમાં કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને ફરીથી લાગુ કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાની અપીલ કરવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન સુરિન્દર ચૌધરીએ રજૂ કરેલા આ પ્રસ્તાવમાં 5 ઓગસ્ટ 2019ના રોજ હટાવવામાં આવેલી કલમ 370ને પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી હતી.
ઠરાવમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે રાજ્યના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરવા માટે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો અને બંધારણીય રક્ષણ જરૂરી છે. નાયબ મુખ્યમંત્રી ચૌધરીએ કહ્યું, “કલમ 370ને એકપક્ષીય રીતે હટાવવા પર ઊંડી ચિંતા છે અને જમ્મુ અને કાશ્મીરના લોકોની આકાંક્ષાઓને માન આપીને તેને રાષ્ટ્રીય એકતા સાથે સંતુલિત રાખીને તેને પુનઃસ્થાપિત કરવી જોઈએ.”
પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતાં જ વિધાનસભામાં વિપક્ષ ભાજપના સભ્યોએ તેનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વિપક્ષના નેતા સુનીલ શર્માએ દલીલ કરી હતી કે પ્રસ્તાવને એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો નથી અને તેને ગેરબંધારણીય ગણાવ્યો હતો. “આ કાયદો દેશના સૌથી મોટા લોકતાંત્રિક મંદિર સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે,” ભાજપના સભ્યોએ આક્રોશ વ્યક્ત કરતાં તેમણે ઠરાવની નકલો ફાડી નાખી, જેના કારણે ગૃહમાં ભારે હોબાળો થયો.
હંગામા વચ્ચે, વિધાનસભાના અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથેરે મતદાન માટે પ્રસ્તાવ મૂક્યો અને તેને પસાર કર્યો. ગૃહમાં ભાજપના વિરોધ અને હોબાળાને કારણે સ્પીકરે બેઠક 15 મિનિટ માટે સ્થગિત કરી દીધી હતી.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને 5 ઓગસ્ટ, 2019 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : અમેરિકામાં કેટલા ભારતીય અમેરિકન સાંસદ ચૂંટાયા? ભારતીય અમેરિકી મતદારોનું વલણ કેવું રહ્યું?