અમેરિકાની ચૂંટણીમાં પણ ભારત જેવું થયું, મતદાનના મુદ્દે છોકરીએ સગાઈ તોડી નાખી
- ચૂંટણીને લઈને લોકોમાં એવો ઉત્સાહ જોવા મળ્યો કે તેઓએ પોતાના અંગત સંબંધોને પણ દાવ પર લગાવ્યા
HD ન્યૂઝ ડેસ્ક, 6 નવેમ્બર: અમેરિકીના પ્રમુખની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જીત ગયા છે. અમેરિકામાં ચૂંટણીને લઈને એવો ઉત્સાહ રહ્યો કે લોકોએ પોતાના અંગત સંબંધોને પણ દાવ પર લગાવ્યા. 26 વર્ષની એક મહિલાએ તેના મંગેતર સાથે મત ન આપવાને કારણે પોતાના સંબંધ તોડી નાખ્યા છે. મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક પોસ્ટમાં સંબંધ તોડવાની જાહેરાત કરી હતી, જેના વિશે લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મહિલાએ લખ્યું કે, ‘મારા મંગેતરે પ્રમુખની ચૂંટણીમાં મતદાન કરવાની કોઈ યોજના બનાવી નહોતી. આવી સ્થિતિમાં મારી સામે નૈતિક સંકટ છે. શું આ માટે સગાઈ તોડવી ખોટું રહેશે?
મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું લખ્યું?
મહિલાએ લખ્યું કે, અમે ફ્લોરિડામાં રહીએ છીએ. મારા ભાવિ પતિએ મત આપવાની ના પાડી દીધી છે. તે કહે છે કે મને કોઈ ઉમેદવાર પસંદ નથી. મહિલાનું કહેવું છે કે, મંગેતર અને મારી વિચારધારા સમાન જ છે, પરંતુ હું સમજી શકતી નથી કે તે મતદાન પ્રત્યે આટલો બેદરકાર કેમ છે. આખરે મતદાનથી દૂર રહેવાની શું જરૂર છે? ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમેરિકાના 47મા પ્રમુખની ચૂંટણી માટે મતદાનનો છેલ્લો દિવસ હતો અને આજે બુધવારે ચૂંટણી પરિણામમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે.
હવે સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો કેટલાક લોકોએ મહિલાના આ પગલાનું સમર્થન કર્યું જ્યારે ઘણા લોકોએ કહ્યું કે, ‘મંગેતર સાથે સંબંધ તોડવો એ ખોટો નિર્ણય છે.’ આ લોકોનું કહેવું છે કે, ‘મતદાન એ કોઈનો અંગત નિર્ણય છે. તે મત આપે કે ન આપે અથવા કોને મત આપે. તેના આધારે સંબંધ રાખવા કે તોડવાનો નિર્ણય ન લેવો જોઈએ.’ એક યુઝરે લખ્યું કે, “તમે તેના એક્શન, વર્તન અને પસંદગીઓને નિયંત્રિત કરી શકતા નથી. આ તેનો પોતાનો નિર્ણય છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે રહેવાનો અધિકાર ત્યારે જ કોઈને મળશે, જ્યારે તે મત આપશે, તો પછી તમે જે નિર્ણય લો. સંબંધ તોડવા માટે તમે કોઈ પણ બહાનું બનાવી શકો છો.“