તુલસી વિવાહનું પૂજન ક્યારે અને કેવી રીતે કરશો, શા માટે કરાય છે?
- આ વર્ષે દેવોત્થાન એકાદશી 12 નવેમ્બર 2024ના રોજ છે. કેટલીક જગ્યાએ બારસે પણ તુલસી વિવાહનું પૂજન કરવામાં આવે છે. આ વખતે બારસ 13 નવેમ્બરે છે.
HD ન્યુઝ ડેસ્કઃ દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ ઉજવવામાં આવે છે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગે છે અને આ દિવસે જ ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ દિવસને દેવોત્થાન એકાદશી અથવા પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે. આ વર્ષે દેવોત્થાન એકાદશી 12 નવેમ્બર 2024ના રોજ છે. આ દિવસે વૃંદા એટલે કે તુલસી માતાના લગ્ન ભગવાન વિષ્ણુના વિગ્રહ સ્વરૂપ શાલિગ્રામ સાથે થાય છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજા કરવાની પરંપરા છે. કેટલીક જગ્યાએ બારસે પણ તુલસી વિવાહનું પૂજન કરવામાં આવે છે. આ વખતે બારસ 13 નવેમ્બરે છે.
તુલસી વિવાહ 2024 શુભ સમય
એકાદશી તિથિ 11 નવેમ્બર, 2024 ના રોજ સાંજે 06:46 વાગ્યે શરૂ થશે અને 12 નવેમ્બરના રોજ સાંજે 04:04 વાગ્યે સમાપ્ત થશે, તેથી 12 નવેમ્બરના રોજ એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
એકાદશી પર તુલસી વિવાહનું શુભ ચોઘડિયા મુહૂર્ત
- લાભ – ઉન્નતિ: સવારે 10:43 થી બપોરે 12:04
- અમૃત – શ્રેષ્ઠ: બપોરે 12:04 થી 01:25
- શુભ – ઉત્તમ: બપોરે 02:46 થી 04:07 સુધી
- લાભ- ઉન્નતિ: સાંજે 07:07થી 08:46 સુધી
તુલસી વિવાહ કેવી રીતે કરાય છે?
સૌથી પહેલા આંગણા કે પૂજા ઘરની વચ્ચે તુલસીનો છોડ રાખો. તુલસીના વાસણ ઉપર શેરડીનો મંડપ સજાવો. માતા તુલસીને લગ્નની તમામ સામગ્રી અર્પણ કરો અને લાલ ચુંદડી ચઢાવો. ભગવાન શાલિગ્રામને વાસણમાં મૂકો. ભગવાન શાલિગ્રામને ચોખા ચઢાવવામાં આવતા નથી તેમને તલ ચઢાવાય છે. ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીને દૂધમાં પલાળેલી હળદર લગાવો. ત્યારબાદ પૂજાની અન્ય સામગ્રીઓ સાથે શાકભાજી, મૂળા, બોર અને આમળા ચઢાવો. ભગવાનની આરતી કરો. તુલસીજીની પરિક્રમા કરો અને પ્રસાદ વહેંચો.
તુલસી વિવાહનું મહત્ત્વ
એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહના દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીની પૂજા વિધિ પ્રમાણે કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
આ પણ વાંચોઃ દેવઉઠી એકાદશી ક્યારે? કેમ કહેવાય છે ખાસ? જાણો શુભ સમય