આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

હિન્દુ સંગઠનોએ કેનેડાના રાજકારણીઓ માટે લીધો મોટો નિર્ણયઃ જાણો શું કહ્યું?

ટોરોન્ટો, 4 નવેમ્બર, 2024: કેનેડામાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન ખાલિસ્તાની આતંકીઓએ હિન્દુઓ પર કરેલા હુમલાના તીવ્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે. કેનેડાના બ્રમ્પટન શહેરમાં ગઈકાલે ત્રીજી નવેમ્બરે સવારે ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિરો પર હુમલાના મામલે કેનેડિયન નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ (CNCH)એ મોટું પગલું ભર્યું છે. કેનેડિયન નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુએ ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે મોટો નિર્ણય લીધો છે. સંસ્થાએ કેનેડાના તમામ રાજકીય નેતાઓને હિંદુ મંદિરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યાં સુધી ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવે અને મંદિરોની સુરક્ષા મજબૂત ન થાય ત્યાં સુધી મંદિરોના રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રાજકારણીઓ નેતાની હેસિયતથી નહીં પરંતુ ભક્ત તરીકે હિન્દુ મંદિરમાં જઈ શકે છે.

કેનેડિયન નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે આજે બ્રમ્પટનમાં હિંદુ મંદિરને ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઘટનાથી કેનેડાના હિંદુ સમુદાયની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. કથિત રીતે વિરોધ કરનારાઓ મંદિરના મુખ્ય દ્વાર પર એકઠા થયા બાદ બળજબરીથી પરિસરમાં પ્રવેશ્યા અને મંદિરમાં દર્શનાર્થે આવેલા હિન્દુ શ્રદ્ધાળુઓ પર શારીરિક હુમલો કર્યો, જેનાથી સમુદાય હચમચી ગયો.

વાસ્તવમાં ખાલિસ્તાની ત્રાસવાદીઓ છેલ્લા બે-એક વર્ષથી ભારત વિરોધી પ્રચાર કરતા રહ્યા છે અને હિન્દુઓ તેમજ શીખોને નિશાન બનાવી રહ્યા છે. આ આતંકીઓએ કેનેડામાં ઘણા ગુરુદ્વારા ઉપર કબજો પણ જમાવી દીધો છે. આ આતંકીઓ કેનેડાસ્થિત ભારતીય દૂતાવાસ, રાજદ્વારીઓ તેમજ હિંદુ ધર્મસ્થાનો ઉપર હુમલા કરી રહ્યા છે. જેને પગલે આ ધર્મસ્થાનોની સુરક્ષા માટે મજબૂત સુરક્ષા પગલાં માટે સમુદાયના નેતાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવ છતાં કેનેડિયન રાજકારણીઓ અને નેતાઓએ હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધાં નથી.

કેનેડા હિન્દુ સંગઠન - HDNews

નેતાઓને મંદિરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ

સંસ્થાની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે આજના હુમલા બાદ કેનેડિયન નેશનલ હિંદુ કાઉન્સિલ (CNCH) અને હિંદુ ફેડરેશને મંદિરના વહીવટી આગેવાનો તથા હિંદુ હિમાયતી જૂથો સાથે મળીને નિર્ણય આ લીધો છે. સમગ્ર કેનેડામાં હિન્દુ મંદિરો અને સંસ્થાઓ હવે રાજકારણીઓને મંદિરની સુવિધાઓનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. આ રાજકારણીઓ જોકે તેમના પક્ષના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ ફક્ત ભક્ત તરીકે આવવાનું ચાલુ રાખી શકે છે. અલબત્ત, જ્યાં સુધી તેઓ ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દાને સંબોધવા માટે નક્કર પ્રયાસો નહીં કરે ત્યાં સુધી તેઓને મંદિરના મંચ પર પ્રવેશ મળશે નહીં.

આ પણ વાંચોઃ કટકમાં મૂર્તિ વિસર્જન દરમિયાન અથડામણ, દુકાનો અને વાહનોમાં તોડફોડ

Back to top button