15 ઓગસ્ટકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
જૂનાગઢમાં ‘હર ઘર તિરંગા’ના લોગોનો થઈ રહ્યો છે અનોખી રીતે ઉપયોગ
દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે પ્રજાસતાક પર્વ ઉપર તા.13, 14 અને 15 ઓગષ્ટના રોજ દરેક વ્યક્તિ પોતાના ઘર, બિલ્ડીંગ, કામ કરવાના સ્થળે દેશની આન બાન અને શાન સમો તિરંગો લહેરાવી તેનું ગૌરવ વધારે તે હેતુસર ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં દેશનો કોઈપણ નાગરિક બાકી ન રહી જાય તે માટે દરેક રાજ્યો, દરેક જિલ્લા, દરેક શહેર અને દરેક તાલુકા તથા ગામડાઓમાં તેનો જુદી જુદી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ આ પ્રચારની અનોખી રીત જોવા મળી હતી.
ગિરનાર રોપ-વેની ટિકિટ, હોસ્પિટલો – હોટલના બિલમાં લોગોનો ઉપયોગ
આ કાર્યક્રમ અંતર્ગત પ્રચાર માટે અનોખી રીત અપનાવવામાં આવી છે. જેમાં જૂનાગઢની હોસ્પિટલો – હોટલના બિલો તેમજ રોપવેની ટિકિટમાં ‘હર ઘર તિરંગા’ના લોગોનો ઉપયોગ થઇ રહયો છે. સરકારી કચેરીઓમાં પણ ‘હર ઘર તિરંગા’ના લોગો પત્ર વ્યવહારમાં ઉપયોગ શરૂ થઇ ગયો છે. જૂનાગઢ જિલ્લામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ માટેની તિરંગાના વેચાણ કેન્દ્રો પણ શરૂ થઇ ગયા છે.
જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ માર્ગદર્શન, તંત્રએ લોગો સ્ટેમ્પ બનાવી કર્યું વિતરણ
આ અંગે માહિતી આપતાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા અને રમત ગમત અધિકારી વિશાલ દિહોરાએ કહે છે કે, જૂનાગઢ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’નો કાર્યક્રમમાં વધુને વધુ લોકો પોતાના ઘરો, સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, દુકાનો, ઉદ્યોગ ગૃહોમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા નિયમિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહયુ છે. જે અન્વયે અમે હોટલ એસોસીએશન, હોસ્પિટલોના પ્રતિનિધિઓની બેઠક કરીને ‘હર ઘર તિરંગા’નો લોગો- સ્ટેમ્પનો નમુનો આપીએ છીએ. જે મુજબ તેઓ સ્ટેમ્પ બનાવડાવીને પોતાના બિલો- ટિકિટોમાં ‘હર ઘર તિરંગા’નો લોગો લગાવે છે. આમ ‘હર ઘર તિરંગા’ના અભિયાનને સ્વૈચ્છિક રીતે પણ ઘણો સારો પ્રતિસાદ મળી રહયો છે. આ ઉપરાંત અનેક શાળામાં ‘હર ઘર તિરંગા’ની ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા પણ યોજાઇ રહી છે.
જિલ્લા વહીવટી વિભાગે રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે સુવ્યવસ્થિત કેન્દ્રો નકકી કર્યા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે સુવ્યવસ્થિત કેન્દ્રો નકકી કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવાનો આદેશ પણ કલેકટરે કર્યો હતો.
જૂનાગઢમાં ૨૦૮ સ્થળોએ તિરંગાના વેચાણ સ્ટોલ ઊભા થશે
જુનાગઢ જિલ્લામાં તિરંગા ના વેચાણ માટે જે સ્ટોલ ઊભા કરવાના છે તે મુખ્ય રોડ ઉપર ઉભા કરવામાં આવે તો મહત્તમ લોકોને લાભ મળે આ માટે તંત્ર દ્વારા આયોજન કરીને જૂનાગઢમાં 208 સ્થળોએ તિરંગા ના કેન્દ્રો બનાવવામાં આવશે. જિલ્લામાં 900 થી વધુ સ્થળોએ તિરંગો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં બે લાખથી વધુ તિરંગા ફાળવવામાં આવશે અને તિરંગાની કિંમત રૂ. 25 નક્કી કરવામાં આવી છે.