NZ સામે સિરીઝની હાર બાદ BCCIમાં પ્રચંડ મનોમંથનઃ AUS ટુર પછી લેવાઈ શકે છે આ એક્શન
નવી દિલ્હી, 3 નવેમ્બર : ન્યુઝીલેન્ડ સામે 0-3 થી હાર મળ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પછી ભારતના કેટલાક સિનિયર ખેલાડીઓનું ભાવિ નક્કી કરવામાં આવશે કારણ કે BCCI આગામી WTC રાઉન્ડની શરૂઆત પહેલા માળખાગત તબક્કાવાર નીતિને અમલમાં મૂકતી વખતે આ હારનું કારણ તપાસવા મૂલ્યાંકન કરવાનું છે. એવી સંભાવના છે કે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનમાંના ચારમાંથી ઓછામાં ઓછા બે સિનિયરો માટે અંતિમ સીરીઝ બની શકે છે.
દરમિયાન કેપ્ટન રોહિત શર્માને જ્યારે તેની કેપ્ટનશીપમાં મર્યાદિત સમય બાકી છે ત્યારે ભારતના ટેસ્ટ ભવિષ્ય વિશે તેના વિચારો પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે આપણે આટલું આગળ જોઈ શકીએ છીએ. આગામી શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે, જે ઓસ્ટ્રેલિયા છે. હું ઑસ્ટ્રેલિયા શ્રેણીથી આગળ જોવાનો નથી. ઓસ્ટ્રેલિયા શ્રેણી, અમારા માટે હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે પ્રયત્ન કરીશું અને પછી શું થશે તે વિચારવાને બદલે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
ઉલ્લેખનીય છે કે, BCCIના દિગ્ગજ પદાધિકારીઓ અને પસંદગીકારોના અધ્યક્ષ અજીત અગરકર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સુકાની રોહિત વચ્ચે સિનિયર ટીમ માટે આગળના માર્ગ વિશે અનૌપચારિક ચર્ચા થઈ શકે છે. દરમિયાન
બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, ચોક્કસથી આ આઘાતજનક છે અને તેના ઉપર પગલાં પણ લેવામાં આવશે કારણ કે આ એક મોટી હાર છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની શ્રેણી રાઉન્ડમાં છે અને ટીમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી છે તેથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ જો ભારત ઇંગ્લેન્ડમાં ડબલ્યુટીસી ફાઇનલ માટે ક્વોલિફાય નહીં થાય, તો ખાતરીપૂર્વક કહી શકાય કે તમામ ચાર સુપર સિનિયર આગામી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે યુકેની તે ફ્લાઇટમાં નહીં હોય.
ડબ્લ્યુટીસી ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ભારત અન્ય કોઇ ગણતરીઓ પર નિર્ભર ન રહે તે માટે તેમને ડાઉન અંડર 4-0 પરિણામની જરૂર પડશે, જે અત્યારે અશક્ય લાગે છે. બોર્ડર ગાવસ્કર-ટ્રોફી ગુમાવ્યા પછી પણ ભારત ક્વોલિફાય થઈ શકે છે જો અન્ય ટીમો સારું પ્રદર્શન ન કરે. પરંતુ એકવાર ઑસ્ટ્રેલિયા સિરીઝ પૂરી થઈ જાય અને જો ભારત ક્વોલિફાય ન થાય તો આગામી રાઉન્ડ લીડ્સ ખાતે આવતા વર્ષે 20 જૂનથી ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ શ્રેણી સાથે શરૂ થશે. જેને લીધે પસંદગી સમિતિને લાંબા ગાળાની સંભાવનાઓ જોવાની ફરજ પડી શકે છે.
આ પણ વાંચો :- ઘરઆંગણે સીરીઝની હાર પચાવવી મુશ્કેલ : ટીમ ઉપર ભડકયા સચિન તેંડુલકર