ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓમર અબ્દુલ્લાના 19 દિવસના કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરમાં 11 આતંકી હુમલા

શ્રીનગર, 3 નવેમ્બર, 2024: જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લાએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધાને 19 દિવસ થયા છે અને આટલા ટૂંકા ગાળામાં રાજ્યમાં ઓછામાં ઓછા 11 આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે. રાજધાની શ્રીનગરમાં આજે આકાશવાણી કેન્દ્રનું રક્ષણ કરી રહેલા CRPFના જવાનોના બંકર ઉપર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો. જોકે આ સ્થળ રવિવારી બજારની નજીક હોવાથી આતંકીઓએ નાગરિકોને નિશાન બનાવ્યા હોવાની વાતો પણ વહેતી થઈ છે. આ ગ્રેનેડ હુમલામાં ઓછામાં ઓછા 10 નાગરિકો ઘાયલ થયા હતા.

એક તરફ ઓમર અબ્દુલ્લાએ થોડા દિવસ પહેલાં એવું વિચિત્ર નિવેદન કર્યું હતું કે, પોતે સત્તા સંભાળી ત્યારપછી આતંકી હુમલામાં વધારો થવા અંગે તપાસ થવી જોઈએ. પરંતુ ઐતિહાસિક હકીકત એ છે કે, અબ્દુલ્લા અગાઉ સીએમ હતા ત્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં લગભગ રોજેરોજ આતંકી હુમલા થતા હતા એટલું જ નહીં પરંતુ પથ્થરમારાની ઘટનાઓ પણ સતત બનતી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, ઓમર અબ્દુલ્લા સીએમ બન્યા ત્યાર પછી ભૂતકાળની જેમ ફરીથી બિન-કાશ્મીરી શ્રમિકો અને નાગરિકો ઉપર હુમલા ફરી શરૂ થઈ ગયા છે. છેલ્લા 19 દિવસમાં કુલ 11 કરતાં વધુ આતંકી હુમલામાંથી પચાસ ટકા હુમલા બિન-કાશ્મીરી નાગરિકો ઉપર થયા છે જેમાં ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકોનો પણ સમાવેશ થાય છે. આ પેટર્ન 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં અપનાવવામાં આવી હતી એવી જ જણાય છે કેમ કે ત્યારે પણ કાશ્મીરી પંડિતોને ડરાવીને તેમને રાજ્યમાંથી ભગાડી મૂકવા તેમના ઉપર હુમલા થતા હતા.

આ પણ વાંચોઃ કાશ્મીર છોડી વતન પરત જવા લાગ્યા અન્ય રાજ્યોના શ્રમિકોઃ નવી સરકારમાં આતંકી હુમલાનો ભય વધ્યો

ઓમર અબ્દુલ્લાએ સીએમ પદના શપથ લીધા બાદ અત્યાર સુધીમાં થયેલા આતંકવાદી હુમલામાં સૈન્ય જવાનો શહીદ થયા છે તે ઉપરાંત 8 બિન-કાશ્મીરી મજૂરોએ પણ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ આતંકવાદીઓએ બિન-કાશ્મીરીઓને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. આ દરમિયાન થયેલી અથડામણોમાં આતંકી સંગઠન લશ્કરના કમાન્ડર સહિત છ આતંકવાદીઓ ઠાર મરાયા છે.

અહીં ઓમર અબ્દુલ્લાના પિતા ફારૂક અબ્દુલ્લાના એ બેહુદા નિવેદનને પણ યાદ કરવું જોઈએ. સિનિયર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને મારવા જોઈએ નહીં, પરંતુ તેમની ધરપકડ કરવી જોઈએ. ફારુક અબ્દુલ્લાના આવા નિવેદન અંગે ભાજપે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

ઓમર અબ્દુલ્લાના 19 દિવસના કાર્યકાળમાં થયેલા આતંકી હુમલા

03 નવેમ્બરઃ શ્રીનગરમાં સીઆરપીએફ બંકર ઉપર ગ્રેનેડ હુમલો, જેને કારણે ઓછામાં ઓછા 10 નાગરિકો ઘવાયા.

1-2 નવેમ્બરના રોજ 3 એન્કાઉન્ટર: 36 કલાકની અંદર, શ્રીનગર, બાંદીપોરા અને અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા. શ્રીનગરમાં લશ્કરનો કમાન્ડર માર્યો ગયો. અનંતનાગમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.

28 ઓક્ટોબર: અખનૂરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા. એલઓસી પાસે આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કર્યું હતું. આ પછી તેઓ જંગલ તરફ ભાગ્યા. 5 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સેનાનો કોઈ જવાન ઘાયલ થયા નથી.

24 ઓક્ટોબર: બારામુલ્લામાં આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો. જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. બે મજૂરોના પણ માર્યા ગયા હતા. PAFF સંગઠને હુમલાની જવાબદારી લીધી હતી.

ઑક્ટોબર 24: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના બટગુંડમાં આતંકવાદીઓએ એક બિન-કાશ્મીરી મજૂર પર ગોળીબાર કર્યો. ફાયરિંગમાં કામદાર ઘાયલ થયો હતો.

ઑક્ટોબર 20: ગાંદરબલના સોનમર્ગમાં કાશ્મીરના એક ડૉક્ટર, એમપીના એક એન્જિનિયર અને પંજાબ-બિહારના 5 મજૂરોએ જીવ ગુમાવ્યો. આની જવાબદારી લશ્કરના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી.

ઑક્ટોબર 16: શોપિયાંમાં આતંકવાદીઓ દ્વારા એક બિન-સ્થાનિક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી. હુમલા બાદ વિસ્તારમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ શ્રીનગરની રવિવારી બજાર પાસે બૉમ્બ વિસ્ફોટ, 10 લોકો ઘાયલ

Back to top button