CM યોગીને મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને મળ્યો મેસેજ, રાજીનામું માંગ્યું
મુંબઈ, 3 નવેમ્બર : યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથને લઈને મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ આપવામાં આવ્યો છે. એક અજાણ્યા નંબર પરથી મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ વિભાગને ફોન કરીને એક વ્યક્તિએ ધમકી આપી છે કે જો યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમની હાલત બાબા સિદ્દીકી જેવી થઈ જશે. ગત શનિવારે સાંજે આ ધમકીભર્યો મેસેજ આવ્યા બાદ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અજાણ્યા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
બાબા સિદ્દીકીની હત્યા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના વરિષ્ઠ NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીની તેમના પુત્રની ઓફિસ બહાર હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ બાબા સિદ્દીકી પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ તેની હાલત નાજુક બની ગઈ હતી. બાબા સિદ્દીકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે બાબા સિદ્દીકીની હત્યા બાદ ધમકીઓનો સિલસિલો અટકી રહ્યો નથી.
પપ્પુ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી
બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે બિહારની પૂર્ણિયા લોકસભા સીટના સાંસદ પપ્પુ યાદવને પણ સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ અંગે પપ્પુ યાદવે પોલીસથી લઈને ગૃહ મંત્રાલય સુધી ફરિયાદ કરી છે. જો કે પોલીસનું કહેવું છે કે પપ્પુ યાદવને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ પપ્પુ યાદવે હજુ પણ સીસીટીવી ફૂટેજ જાહેર કરીને કહ્યું છે કે તેના ઘરની રેકી કરવામાં આવી છે. હજુ પણ તેના જીવને ખતરો છે, પોલીસ દ્વારા કોની ધરપકડ કરવામાં આવી છે તે અંગે તેને કંઈ ખબર નથી.
આ પણ વાંચો :- ઈરાન યુનિવર્સિટીમાં હિજાબના વિરોધમાં યુવતી અર્ધનગ્ન થઈ, સામે આવ્યો પ્રદર્શનનો વીડિયો