માયભારત અમદાવાદ ટીમ દ્વારા “દિવાલી વિથ માયભારત અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
ઉલ્લેખનીય છે કે આજની તારીખમાં દેશના એક કરોડથી વધારે યુવાનો માયભારત પ્લૅટફૉર્મ પર રજીસ્ટર થઈ ચૂક્યા છે અને સાથે જ યુવાનો માટે કાર્ય કરતા વિવિધ સરકારી અને બીન- સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ પોર્ટલ પર રજીસ્ટર થઇ ચૂક્યા છે અને યુવાનો માટે CV તૈયાર કરવાથી લઈને પ્રશિક્ષણ, કાર્યક્રમો, કૌશલ વિકાસ અને અનેક ક્ષેત્રો એ અનુભવથી શિક્ષણ મેળવવા અંગે અનેક તકો માયભારત પોર્ટલ પર ઉપલબ્ધ છે.
જે અન્વયે યુવા બાબતો અને રમત -ગમત મંત્રાલયના માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના આહ્વાનથી રાષ્ટ્ર સ્તરે માયભારત સંગઠનના ટૅબ હેઠળ નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા તા. 27.10.2024થી લઈ દિવાળી પર્વ સુધી વિવિધ જાગરૂકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે જિલ્લા યુવા અઘિકારી, અમદાવાદની કચેરી દ્વારા “દિવાલી વિથ માયભારત કાર્યક્રમ” અંતર્ગત માર્કેટ યુનિયનો અને CAIT અમદાવાદના વિશેષ સહયોગથી દિવાળીની ખરીદી માટે લાખોની સંખ્યામાં અમદાવાદમાં આવનાર ગ્રાહકોને સ્વચ્છ અને સુંદર માર્કેટ મળે અને ગ્રાહકો અને જનસામાન્યમાં સ્વચ્છતા હી સેવાનો સંદેશ આપવાની મંશાથી માયભરત સ્વયંસેવકો અને વ્યાપારી સંગઠનો દ્વારા જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરી અને અમદાવાદ વ્યાપાર સંગઠન પ્રમુખ હર્ષદભાઈ ગીલીટવાલાના નેતૃત્વમાં અમદાવાદના મહત્વના માર્કેટ સ્થાનો જેવા કે રતનપોળ-રિલીફરોડ માર્કેટ, પાંચકુવા માર્કેટ વિસ્તાર અને સફલ-૩ ન્યુ ક્લોથ માર્કેટ વિસ્તારોમાં સ્વચ્છતા અને જાગરૂકતા અભિયાનોનું સફળ આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં વ્યાપાર સંગઠન સભ્યો અને યુવા સ્વયંસેવકોનું યોગદાન રહ્યું.
સાથે જ દિવાળી મહાપર્વ નિમિત્તે અમદાવાદની સિંઘરવા સરકારી હોસ્પિટલ અને વી એસ હોસ્પિટલમાં માયભારત સ્વયંસેવકો દ્વારા સેવા સે સીખે કાર્યક્રમના ભાગ રૂપે હોસ્પિટલ સ્ટાફને મદદરૂપ થઈ નિઃસ્વાર્થ સેવા અને તહેવારોની ઉજવણી સલામતીપૂર્વક કરવા બાબતે જનસામન્યને જાગરૂક કરવાનું ભગીરથ કાર્ય કર્યું. ત્યાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના વિશેષ સહયોગથી માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગરૂક કરવા જિલ્લાના સઘન ટ્રાફિક ચેક પોઇન્ટ્સ જેવા કે વીજળીઘર છ રસ્તા, મીઠાખળી છ રસ્તા, સારંગપુર છ રસ્તા અને નહેરુ બ્રિજ ત્રણ રસ્તા પાસે ટ્રાફિક પોલીસ વિભાગના સહયોગી બની વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પૂર્ણરુપે પાલન કરી પોતાની અને અન્ય વાહનચાલકો અને રાહદારીઓ તથા પગપાળા પ્રવાસ કરતાં લોકોની સલામતી માટે લોકોને જાગરૂક કર્યા અને તેઓને માર્ગ સલામતી બાબતે સંપૂર્ણ જવાબદારીપૂર્વક વર્તવા અંગેની માયભારત તથા નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદના સ્વયંસેવકો દ્વારા પ્રતિજ્ઞા પણ લેવડાવામાં આવી.
જિલ્લાના તમામ યુવાનો માયભારત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી મંત્રાલય અને વિભાગ દ્વારા ચલાવવામાં આવતા આવા અનેક કાર્યક્રમો, અભિયાનો અને વિકાસની અનેક તકોનો લાભ ઉઠાવી શકે છે.
આ પણ વાંચોઃ અમિત શાહ અંગે કેનેડિયન મંત્રીના નિવેદનથી ફરી તંગદિલી, કેનેડિયન રાજદ્વારીને સમન્સ