આ બે મુસ્લિમ નેતાઓને દિવાળી પૂજન કરવાની મળી સજા, જાણો પૂરો મામલો
ઉત્તરપ્રદેશ, 2 નવેમ્બર : ઉત્તેર પ્રદેશમાં ભગવાન રામના મંદિર નિર્માણ બાદ પણ સામાજિક સમરસતાનું વાતાવરણ જોવા નથી મળી રહ્યું. અહીં દિવાળીના તહેવાર દરમિયાન સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગના બે મુસ્લિમ નેતાઓ પર ભગવાન રામની પૂજા કરવા બદલ સજા કરવાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ભાજપના નેતા બબલુ ખાન પર ભગવાનના ભજન વગાડવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે સપા નેતા નસીમ સોલંકી વિરુદ્ધ મંદિરમાં પૂજા કરવા બદલ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.
રામ ભજન વગાડતા વિવાદ થયો હતો
રામ મંદિર સમર્થક બબલુ ખાન પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. રામલલાનું ભજન વગાડવા બદલ બબલુ ખાન પર તેના જ પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો. હુમલામાં બબલુ ખાન અને તેના ત્રણ પુત્રો ઘાયલ થયા હતા. રામ મંદિર સમર્થક અનીશ ખાન ઉર્ફે બબલુ ખાને અયોધ્યા પોલીસ સ્ટેશનમાં આ હુમલાની માહિતી આપી છે. બબલુ ખાને આરોપ લગાવ્યો કે તેમની કેમ્પ ઓફિસમાં રામ ભજન વગાડી રહ્યા હતા. જ્યાં ભાજપનો ઝંડો લગાવવામાં આવ્યો હતો, જેની સામે તેમના મુસ્લિમ પડોશીઓએ વિરોધ કર્યો હતો. ભજનમાં ડાન્સ કરી રહેલા તેમના મિત્ર માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે તેઓએ અનીશ ખાન ઉર્ફે બબલુ અને તેના પુત્રોને માર માર્યો હતો.
બબલુ ખાને કહ્યું કે અમે 2014થી રામ મંદિરના સમર્થનમાં લાગેલા છીએ. આ અંગે આસપાસના મુસ્લિમોમાં રોષ છે. બબલુ ખાને કહ્યું કે અમારા કેટલાક મિત્રો આવ્યા અને અમારી કારની અંદર ‘રામ આયેંગે તો અંગના સજાએંગે’ ગીત લગાવ્યું. બબલુ ખાને આરોપ લગાવ્યો છે કે નજીકમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકો ગીતો વગાડવા અને લોકો નાચતા હોવાથી ગુસ્સે થઈ ગયા અને તેઓએ અપશબ્દોનો ઉપયોગ કરીને તેના પર હુમલો કર્યો. હુમલાખોરોએ કુહાડી, સળિયા અને બંદૂક વડે હુમલો કર્યો હતો.
સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નસીમ સોલંકી વિરુદ્ધ ફતવો
ઉત્તર પ્રદેશની સિસમૌ વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નસીમ સોલંકી વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રિઝવી બરેલવીએ મંદિરમાં પૂજા કરવાના મામલે ફતવો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે નસીમ સોલંકીના પતિ ઈરફાન સોલંકીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સિસમાઈ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી. ઇરફાન સોલંકીને અગ્નિકાંડના કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જેના કારણે આ બેઠક ખાલી પડી છે.
આ દિવસોમાં ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભા બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીને લઈને તમામ ઉમેદવારો જનસંપર્કમાં વ્યસ્ત છે. આ તમામ નવ વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે મતદાન થશે જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલો એ છે કે નસીમ સોલંકીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે શિવલિંગ પર જળ અને ફૂલ ચઢાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેમણે મંદિરમાં દીવો પણ પ્રગટાવ્યો હતો. તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ મૌલાના મુફ્તી શહાબુદ્દીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મૌલાના કહે છે કે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો છે કે, મંદિરમાં પૂજા કરતી અને પાણી ચડાવનાર મહિલા વિશે શરિયત શું કહે છે?
મૌલાનાએ કહ્યું છે કે શરિયત મુજબ ઈસ્લામમાં મૂર્તિપૂજા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. શરિયતની નજરમાં કોઈ પણ વ્યક્તિ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, માટે પૂજા કરવી ખોટું છે. મૌલાનાએ કહ્યું કે આવી મહિલાએ પસ્તાવો કરવો જોઈએ અને ભવિષ્યમાં ક્યારેય એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી તેની શ્રદ્ધા જોખમમાં આવી શકે. તેમણે કહ્યું કે આવી મહિલાએ ફરીથી કલમા વાંચવી જોઈએ.
હું દરેક ધર્મનું સન્માન કરું છુંઃ નસીમ સોલંકી
આ મામલે વિવાદ વધ્યા બાદ નસીમ સોલંકીએ કહ્યું કે તે દરેક ધર્મનું સન્માન કરે છે. દિવાળીના અવસરે તેને મંદિરમાં બોલાવવામાં આવી હતી અને ત્યારે તે ત્યાં પહોંચી હતી. નસીમ સોલંકીએ જણાવ્યું હતું કે મંદિરના દર્શન કર્યા બાદ તે ગુરુદ્વારામાં પણ ગઇ હતી. અને આગામી દિવસોમાં તે ચર્ચમાં પણ કાર્યક્રમ યોજી શકે છે. નસીમ સોલંકીએ કહ્યું કે તેમને કોઈપણ ધર્મનું સન્માન કરવામાં અને તેમના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં કોઈ વાંધો નથી.
આ બાબતને લઈને વિવાદ એટલા માટે વધી ગયો છે કારણ કે મંદિરના પૂજારીઓએ હરિદ્વારથી ગંગાનું પાણી મંગાવીને આખા મંદિર અને શિવલિંગને શુદ્ધ કરી નાખ્યું છે.
આ પણ વાંચો :- અદાણીએ બાંગ્લાદેશને એનું સ્થાન બતાવ્યું, બાંગ્લાદેશીઓેએ હવે અંધકારમાં રહેવું પડશે, જાણો કારણ