મુંબઈ ટેસ્ટમાં રિષભ પંતે બનાવ્યો નવો જ રેકોર્ડ, ધોની પણ રહી ગયો પાછળ
મુંબઈ, 2 નવેમ્બર : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. પ્રથમ દિવસના છેલ્લા સેશનમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી અને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ભારતે બીજા દિવસની શરૂઆત 4 વિકેટ ગુમાવીને 86 રનથી કરી હતી. હંમેશની જેમ, રિષભ પંતે ફરી એકવાર પોતાની શૈલીમાં શાનદાર અડધી સદી ફટકારી. તેણે માત્ર 36 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ તોફાની ઈનિંગથી તેણે ટીમ ઈન્ડિયામાં ન માત્ર કમબેક કર્યું પરંતુ એક નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
પંત આ મામલે નંબર વન બન્યો હતો
રિષભ પંતે બીજા દિવસે ક્રીઝ પર આવતાની સાથે જ બાઉન્ડ્રી ફટકારવાનું શરૂ કરી દીધું હતું. તેણે ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું અને પોતાની વિસ્ફોટક બેટિંગથી ન્યૂઝીલેન્ડ પર દબાણ બનાવ્યું હતું. પંતે બીજા દિવસના પ્રથમ કલાકમાં 138ના સ્ટ્રાઈક રેટથી માત્ર 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સાથે તે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.
આ પહેલા આ રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે હતો, જેણે પુણે ટેસ્ટમાં 41 બોલમાં અડધી સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. પંત 59 બોલમાં 60 રન બનાવી ઈશ સોઢીનો શિકાર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે પણ પંત નંબર વન ભારતીય બેટ્સમેન છે. તેણે 2022માં શ્રીલંકા સામે માત્ર 28 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
ધોની પણ પાછળ રહી ગયો હતો
રિષભ પંતે માત્ર યશસ્વી જયસ્વાલ અને ભારતના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધા છે. પંત એવો ભારતીય વિકેટકીપર પણ બની ગયો છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે સૌથી વધુ અડધી સદી ફટકારી હોય. અગાઉ આ રેકોર્ડ ધોનીના નામે હતો, જેણે 100થી વધુના સ્ટ્રાઈક રેટથી 4 ટેસ્ટ અર્ધસદી ફટકારી હતી. જ્યારે પંતે આવું 5 વખત કર્યું છે.
મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમે માત્ર 6 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઋષભ પંતે શુભમન ગિલ સાથે 96 રનની ભાગીદારી કરી હતી. આ મહત્વપૂર્ણ ભાગીદારી બાદ ટીમ ઈન્ડિયાની ઈનિંગ પાટા પર પાછી ફરી છે. લંચ સુધી ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 195 રન બનાવી લીધા છે અને તે ન્યૂઝીલેન્ડથી માત્ર 40 રન પાછળ છે.
આ પણ વાંચો :- નવા વર્ષના પ્રારંભે જ શ્રીનગરમાં આતંકીઓ દેખાયા, એન્કાઉન્ટર ચાલુ