ભાવનગરમાં દિવાળીમાં જ હત્યાના ત્રણ બનાવો બન્યા, બે હત્યાના કારણ જાણી લાગશે નવાઈ
ભાવનગર, 1 નવેમ્બર, દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે ભાવનગર જિલ્લામાં દિવાળીની રાત્રે હત્યાના અલગ અલગ ત્રણ બનાવો બનતા ચકચાર મચી છે. ભાવનગર શહેરમાં થયેલી બે હત્યાના બનાવ પાછળ તો ફટાકડા ફોડવાનું કારણ જ સામે આવ્યું છે. સપરમા દિવસે જ ત્રણ ત્રણ લોકોની હત્યા નીપજતાં પરિવારજનોમાં માતમનો માહોલ છવાયો છે.
દિવાળીનો તહેવાર આતશબાજી વગર અધુરો છે.દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા કંઈક અલગ હોય છે. પરંતુ ફટાકડા ફોડવામાં સાવચેતી રાખવાની જરૂર છે. ક્યારેક ફટાકડા ફોડવાથી દાઝી જવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં આ ફટાકડામાં હત્યા થઇ છે. માનવામાં નહીં આવે પરંતુ આ સાચું છે. ભાવનગરમાં દિવાળીના દિવસે એક-બે નહીં પરંતુ ત્રણ હત્યાના બનાવ સામે આવ્યા છે. ત્રણેય હત્યામાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી, જેનું પરિણામ આવું લોહીયાળ આવ્યું.
ફટાકડા ફોડવાની ના પાડતા થાઈ હત્યા
ભાવનગરમાં અલગ-અલગ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. જેમાં એક યુવાન અને બે આધેડ વયની વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના હાથબ ગામે 45 વર્ષીય આધેડે દિવાળીની રાત્રે ફટાકડાં ફોડતા વખતે ગાળો બોલવાની ના પાડતા ઝઘડો થયો હતો. જેમાં ગુસ્સે ભરાયેલા લોકોએ આધેડને છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે ઘોઘો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બીજી બાજું ભાવનગરના યોગીનગરમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘોઘારોડ યોગીનગર પાસે આવેલા સોમનાથી રેસિડેન્સીમાં ફટાકડા ફોડવાની ના પાડતા છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ફટાકડા ફોડવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસોએ વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ મામલે પણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી ગુનો નોંધી સમગ્ર તપાસ હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
ખારગેઇટ પાસે આવેલા ગજ્જર ચોકમાં યુવાનને છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. ફટાકડા ફોડતી વખતે બોલાચાલી થતા યુવાનને છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગંગાજળીયા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલ આરોપીઓને શોધી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા ફોડતી વખતે થયેલી બોલાચાલી પ્રેમ પ્રકરણના કારણે થઈ હોવાનું કહેવામાં આવે છે.
આ પણ વાંચો..ગુજરાતના આ શહેરમાં બેવડી ઋતુનો માર, રાત્રે ઠંડી અને બપોરે ગરમી