દિવાળી પર ધુમાડો-ધુમાડો થઈ દિલ્હી, જાણો AQI કયા સ્તરે પહોંચ્યો
- ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં લોકોએ દિવાળી પર મોટા પાયે ફટાકડા ફોડ્યા
નવી દિલ્હી, 1 નવેમ્બર: દેશભરમાં લોકોએ ગુરુવારે દિવાળીની ઉજવણી કરી. આ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં પણ જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં ગુરુવારે રાત્રે લોકોએ મોટા પાયે ફટાકડા ફોડ્યા હતા. ગુરુવારે રાત્રે ફટાકડા ફોડવાને કારણે શહેરમાં ધુમાડાના વાદળો ઘેરાયા છે. ફટાકડાના ધુમાડાને કારણે દિલ્હીની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ છે.
લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી
ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં દિલ્હીની હવાની ગુણવત્તા (AQI) 330 નોંધાઈ હતી. આ સમયગાળા દરમિયાન, આનંદ વિહાર સહિતના મુખ્ય વિસ્તારોમાં AQI ‘ગંભીર’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે, દિલ્હીની હવામાં પીએમ 2.5ની સાંદ્રતા વધી ગઈ, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો. ફટાકડા ઉપરાંત પરાળ સળગાવવાથી અને વાહનોમાંથી નીકળતા ધુમાડાને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
ફટાકડા પર પ્રતિબંધ માટે 377 ટીમો બનાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે 377 ટીમો પણ બનાવી હતી. આ ઉપરાંત લોકોમાં જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આમ છતાં દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં મોટાપાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં સરેરાશ AQI 330 નોંધાયો હતો. રાત્રે 9 વાગ્યે, દિલ્હીમાં PM 2.5 અને PM 10નું સ્તર અનુક્રમે 145.1 અને 272 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું.
નોઈડા અને ગાઝિયાબાદમાં ફટાકડા ફોડવામાં આવ્યા
દિલ્હી સિવાય જો આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે તો નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત દિલ્હીની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ અપેક્ષા કરતા સારી રહી. આ શહેરોમાં AQI ‘ખરાબ’ કેટેગરીમાં નોંધાયો હતો. જ્યારે ફરીદાબાદમાં AQI 181 નોંધાયું હતું. દિલ્હીમાં દિવાળી પર પાછલા વર્ષોના AQI વિશે વાત કરવામાં આવે તો, તે 2022માં 312, 2021માં 382, 2020માં 414, 2019માં 337, 2018માં 281, 2017માં 319 અને 2016માં 431 નોંધાયું હતું.
આ પણ જૂઓ: ભારત અને અમિત શાહ ઉપર સાયબર જાસૂસી કરવાનો કેનેડાનો આરોપ, જાણો શું કહ્યું