ઉત્તર ગુજરાતગુજરાત

પ્રાકૃતિક કૃષિ જન અભિયાનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય નવી ક્રાંતિનું સર્જન કરશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Text To Speech

પાલનપુર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, ખેતી અને ખેડુતોની સમૃધ્ધિ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે.સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક ખેતી મહિલા સંમેલનને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, ગુજરાતની મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ દ્વારા પોતાના શક્તિ- સામર્થ્યને દર્શાવી આપ્યું છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ જન આંદોલનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિનું સર્જન કરશે. રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડુતો સમૃધ્ધ બને અને ખેતી આત્મનિર્ભર બને તે માટે અનેકવિવિધ પગલાં લીધાં છે. એટલું જ નહીં તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવા દેશભરના ખેડુતોને આહવાન કર્યુ છે.

રાજ્યપાલએ સ્વતંત્રતા બાદ દેશની ખાદ્યાન્ન જરૂરીયાતની પૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા થયેલી હરિત ક્રાંતિને એ સમયની આવશ્યતા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે. અને રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિનો ૨૪ ટકા ફાળો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ- જમીન અને પર્યાવરણ પ્રદુષિત થયા છે. જમીનની ફળદ્રુપતા દિન- પ્રતિદિન ઘટતી જાય છે. જેના કારણે ખેત ઉત્પાદન પણ સતત ઘટતું રહ્યું છે. પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધતો રહ્યો અને ઉત્પાદન ઘટવાના કારણે ખેડુતોની આર્થિક સ્થિતિ નબળી પડી છે.

પ્રાકૃતિક કૃષિ જન અભિયાનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય નવી ક્રાંતિનું સર્જન કરશે

રાજ્યપાલએ મહિલા ખેડુતોને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા. તેઓ એ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે પુરતું ઉત્પાદન મળે છે. જેથી ખેડુતોને આર્થિક ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ સરળ છે. જેમાં દેશી ગાયના છાણ- ગૌમૂત્ર- બેસન- ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે ઘન જીવામૃત તૈયાર થાય છે. જે ખેતી માટે પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે. તેનાથી જમીનમાં સહાયકારી સૂક્ષ્મ જીવો અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃધ્ધિ થાય છે. અને જમીન ફળદ્રુપ બને છે.

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ જન અભિયાનમાં બે લાખ ખેડુતો જોડાયા

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગોનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને એકદમ અલગ ગણાવી જણાવ્યુ હતું કે, જૈવિક કૃષિમાં અળસિયાંનો ઉપયોગ થાય છે. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી અને શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે. જેના કારણે જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક ફાર્મીંગ ખેડુતો માટે જોઇએ તેટલું ફાયદાકારક નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં નહિવત કૃષિ ખર્ચ સામે ઉત્પાદન ઘટતું નથી એટલું જ નહીં સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નની પ્રમાણમાં વધુ કિંમત મળતા સરવાળે ખેડુતોને ફાયદો થાય છે.

રાજ્યપાલએ અળસિયાં જેવા મિત્ર જીવોને ખેડુતો માટે આશીર્વાદરૂપ ગણાવી પ્રાકૃતિક કૃષિથી આવા જીવોની વૃધ્ધિ થતી હોવાનું જણાવ્યુ હતું. પ્રાકૃતિક કૃષિ જન અભિયાન સાથે ગુજરાતમાં બે લાખ ખેડુતો જોડાયા હોવાનું જણાવી ઉપસ્થિત મહિલા ખેડુતોને દેશી ગાયનું પાલન કરવા અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આગ્રહ કર્યો હતો.

યુનિવર્સિટીએ ૯૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર. એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ પર સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીના વિસ્તાર માટે આ યુનિવર્સિટીએ ૯૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. જેના ખુબ સારા પરિણામો આવનારા સમયમાં મળશે. જે આપણો વિશ્વાસ અને જુસ્સો વધારશે.

પાકૃતિક કૃષિકારોની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન

રાજ્યપાલના વરદ હસ્તે સુભાષ પાલેકર પ્રેરીત પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવનાર મહિલા ખેડુતોનું સન્માન કરાયું હતું. અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાકૃતિક કૃષિકારોની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહેમાનો
Back to top button