દિલ્હીમાં ફટાકડા ફોડવાવાળાઓની ખેર નથી, સાદા કપડામાં સજ્જ રહેશે પોલીસકર્મી
નવી દિલ્હી, 31 ઓકટોબર : દિલ્હી પોલીસ શહેરમાં ફટાકડા ફોડવા સામે કડક નજર રાખી રહી છે અને ગુપ્તચર માહિતીના પગલે હાઈ એલર્ટ પર છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિવાળીના અવસર પર શહેરમાં ફટાકડાના વેચાણ અને ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધની ખાતરી કરવા માટે દિલ્હી પોલીસ અને સરકારી અધિકારીઓની કુલ 377 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “તહેવાર દરમિયાન ફટાકડા ફોડતા પકડાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
1 જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ
દિલ્હી સરકારે 14 ઓક્ટોબરે શહેરમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે આવતા વર્ષે 1 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. દરમિયાન, રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલની દિવાલમાં બ્લાસ્ટ થયા બાદ દિલ્હી હાઈ એલર્ટ પર છે. આ બ્લાસ્ટ 20 ઓક્ટોબરે થયો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે ચાંદની ચોક, સરોજિની નગર, લાજપત નગર, ગ્રેટર કૈલાશ, આઝાદપુર અને ગાઝીપુર જેવા બજારોમાં પોલીસ તૈનાત કરવામાં આવશે કારણ કે દિવાળી પર આવા સ્થળોએ ભારે ભીડ હોય છે.
વધારાની ચોકીઓ ઉભી કરીને પોલીસ બંદોબસ્ત વધાર્યો
ડીસીપી અપૂર્વ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ખાસ કરીને બજારો, મોલ, મહત્વપૂર્ણ સંસ્થાઓ અને ભીડભાડવાળા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સઘન પેટ્રોલીંગ અને વધારાની ચોકીઓ ઉભી કરીને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કર્મચારીઓ હાઈ એલર્ટ પર છે.” ઉત્તર જિલ્લાના ડીસીપી રાજા બાંથિયાએ જણાવ્યું હતું કે, ‘તહેવારને સુચારૂ રીતે ઉજવવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.’
રેલવે અને મેટ્રો સ્ટેશનો પર કડક દેખરેખ
સરહદી વિસ્તારોમાં થતી ગતિવિધિઓ પર પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, દરેક રેલ્વે અને મેટ્રો સ્ટેશન પર કડક તકેદારી રાખવામાં આવી રહી છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિઓને રોકવા માટે વધારાના દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) ની પેટ્રોલિંગ ટીમોને સૂચના આપવામાં આવી છે કે જો તેઓ કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ જુએ તો તરત જ તેમના ઉપરી અધિકારીઓને જાણ કરે. તેમણે કહ્યું, “ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમોની મદદથી, રેલવે ટ્રેક અને બજારો પર નિયમિતપણે જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.”
અધિકારીએ કહ્યું, “ટીમ દ્વારા સીસીટીવી કેમેરાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પીસીઆરને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.”
આ પણ વાંચો : ઈઝરાયેલના હુમલાથી ડરી ગયેલા હિઝબુલ્લાહ, શરણાગતિ માટે તૈયાર? કહ્યું- યુદ્ધવિરામ પર વાતચીત થવી જોઈએ