ખેડા: ટ્રેલર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત બાદ લાગી આગ, જેસીબી વડે ડ્રાઈવરના મૃતદેહને કાઢ્યો બહાર
નડિયાદ, 30 ઓકટોબર, રાજ્યમાં દિવસે અને દિવસે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ખેડામાં નેશનલ હાઈવે-48 પર અકસ્માતની ઘટના બની હતી. જ્યાં ટ્રેલર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત બાદ ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. આ ટ્રેલર સ્ટીલની પ્લેટથી ભરેલું હતું, જ્યારે ભીષણ આગ લાગતા ટ્રેલરનું કેબિન બળીને ખાખ થઇ ગયું હતું. અકસ્માતમાં ટ્રેલરના ડ્ર્રાઈવરનું મૃત્યુ નીપજ્યું છે. જેસીબીની મદદ વડે ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
નડિયાદ નજીકથી અમદાવાદથી વડોદરાને જોડતો નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. આ હાઈવે પર પીપલગ એપીએમસી પાસે બુલેટ ટ્રેનના પિલ્લર નજીક આજે બુધવારે વહેલી સવારે એક ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. જેમાં પુરપાટે આવી રહેલ ટ્રેલરના ચાલકે એકાએક પોતાનું વાહન ડિવાઈડર સાથે અથડાવ્યુ હતું. આ ટ્રેલરની પાછળની ખુલ્લી જગ્યામાં લોખંડની સાંકળથી સ્ટીલના પ્લેટોના રોલ બાંધેલા હતા જે અકસ્માત બાદ રોલરો એકાએક કેબિન તરફ ધસી આવ્યા હતા. જે પૈકી અમુક રોલરો કેબિન પર પડતા કેબિનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતાં તેઓ તાત્કાલિક વોટરબ્રાઉઝર સાથે બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ એ પહેલા જ ચાલક બળીને ભડથું થઈ જતા મૃત્યુ પામ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને તેમજ નડિયાદ ડિવિઝનના ડિવાયએસપીને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો છે, જેસીબીની મદદથી ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. હજુ સુધી ડ્રાઈવરની ઓળખ થઈ શકી નથી. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..અમદાવાદ: પોલીસ સતત 24 કલાક નહીં કરી શકે નોકરી, જાણો કેમ પોલીસ કમિશનરે આદેશ કર્યો