સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાએ 7 વર્ષના બાળકનો જીવ લીધો
- અચાનક દીપડો આવીને બાળકને ખેંચીને ખેતરમાં લઈ ગયો
- દીપડાના બાળક પર હુમલાથી આખોય પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
- વન વિભાગે દીપડાને પકડી લીધો અને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો
ગુજરાતમાં જંગલોની સંખ્યા ઘટી રહી છે. જેમા જંગલી પશુઓના રહેઠાણની જગ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેથી પશુઓ ખોરાકની શોધમાં શહેરો તરફ આવતા માનવવસાહતોમાં તેમના હુમલા સતત વધી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ સિંહણે બાળકને ફાડી નાખ્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા, તો ક્યારેક દીપડાના હુમલાના સમાચાર આવે છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી આવી જ ઘટના સામે આવી છે.
અચાનક દીપડો આવીને બાળકને ખેંચીને ખેતરમાં લઈ ગયો
માંડવી તાલુકામાં દીપડાએ 7 વર્ષના બાળકનો જીવ લીધો છે. શેરડી કાપવા આવેલા મૂળ મહારાષ્ટ્રનો મજૂર પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાંખીને રહેતો હતો. ત્યારે મોડી સાંજે 7 વર્ષનો દીકરો રમતો હતો ત્યાં અચાનક દીપડો આવીને બાળકને ખેંચીને ખેતરમાં લઈ ગયો હતો. ત્યારે એકાએક બાળક આસપાસમાં ક્યાંય નજરે ન ચઢતા પરિવારે બાળકની શોધખોળ હાથ ધરી હતી. માતા-પિતા બાળકને શોધી રહ્યા હતાં, ત્યારે અચાનક તેમને દીપડાના પંજાના નિશાન દેખાયા હતા. નિશાન જોતા જ પરિવારે વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગે જાણકારી મળતાં જ બાળકની શોધખોળ હાથ ધરી ત્યારે તે પડાવથી 300 મીટર દૂર શેરડીના ખેતરે જોવા મળ્યું હતુ.
દીપડાના બાળક પર હુમલાથી આખોય પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
બાળક મળતાં વન વિભાગે તેને થોડો સમય ત્યાં જ રહેવા દીધું અને દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. દીપડાએ જ્યા શિકાર કર્યો હતો ત્યાં જ મારણને રહેવા દઈ તેની આજુબાજુમાં દીપડાને પકડવા માટેના પાંજરા ગોઠવવામાં આવ્યાં હતા. થોડા સમય બાદ જેવું દીપડો પોતાના અધૂરા મૂકેલા મારણને ફરી ખાવા આવ્યો ત્યારે વન વિભાગે તેને પકડી લીધો અને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો. દીપડાના બાળક પર હુમલાથી આખોય પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, રૂ.280 કરોડના વિકાસ કાર્યોનું કરશે ઉદઘાટન