ગુજરાત: મહુડીમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરનો હવન યોજાશે, જાણો તેનું શું છે મહત્ત્વ
- આ વિધિમાં શ્રી મહાવીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે
- ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા મહુડી ગામમાં પ્રખ્યાત જૈન મંદિર
- મહુડીમાં બિરાજમાન ઘંટાકર્ણ મહાવીરને સુખડીનો પ્રસાદ અર્પણ કરે છે
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા મહુડી ગામમાં પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે. જેમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની પૂજા કરવામાં આવે છે. મહુડી જૈન મંદિરે વર્ષમાં એક વખત શ્રી ઘંટાકર્ણ મહાવીરનો ચમત્કારિક હવન કરવામાં આવે છે, જે આ વર્ષે 31મી ઓકટોબરે કાળી ચૌદશના દિવસે બપોરે 12:39 કલાકે શરુ થશે.
મહુડીમાં બિરાજમાન ઘંટાકર્ણ મહાવીરને સુખડીનો પ્રસાદ અર્પણ કરે છે
કાળી ચૌદશના પવિત્ર દિવસે વહેલી સવારથી જૈન પરિવારો અને દાદાના ભક્તો મોટી સંખ્યામાં પવિત્ર યાત્રાધામ મહુડી પધારે છે. હવનમાં જોડાઈને ચમત્કારિક મંત્રના 108 જાપ કરવાની સાથે સાથે નાડાછડીની ગાંઠ વાળતાં હોય છે. 12:39 વાગ્યાના શુભ મુહૂર્તે હવન શરુ થાય છે. હવન સમયે 108 વખત ઘંટારવ કરીને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવતી હોય છે. આ આહુતી સમયે મંદિર પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓ નાડાછડીની દોરી પર એક એક ગાંઠ બાંધે છે, એમ કુલ 108 ગાંઠ બાંધવામાં આવે છે. આ હવાનનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં એકવાર થતી સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડીમાં બિરાજમાન શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રક્ષાલન વિધિ સહિતની ધૂપ, ફૂલ, આભૂષણ અને કેસર પૂજન વિધિની વિશેષ પૂજાનું અનેરું મહત્ત્વ છે.
આ વિધિમાં શ્રી મહાવીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે
આ વિધિમાં શ્રી મહાવીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની સાડા પાંચથી છ ફૂટની લંબાઈ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. આ દરમિયાન પહેલો ડંકો વાગે એટલે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા નાડાછડી/દોરીની એક ગાંઠ વાળવામાં આવે છે અને આવી રીતે 108 ગાંઠ પૂર્ણ કરવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. જેને જૈન-જૈનેત્તર ભાવિકો સાચવી રાખે છે અને પોતાની મનોકામના પૂરી થતાં મહુડીમાં બિરાજમાન ઘંટાકર્ણ મહાવીરને સુખડીનો પ્રસાદ અર્પણ કરે છે.
આ પણ વાંચો: ગુજરાત: હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી