પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને હાર્ટ એટેક આવ્યો, હાલત સ્થિર
- મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર દરમિયાન છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો
- નાસિકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
- ગુજરાત કોંગ્રેસે ટ્વિટ કરી તબિયત સુધારા ઉપર હોવાની માહિતી આપી
અમદાવાદ, 29 ઓક્ટોબર : ગુજરાત કોંગ્રેસના નેતા અને વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં તેઓને પ્રચાર દરમિયાન ગભરામણ થતી હોય અને છાતીમાં દુઃખાવો ઉપડયાની ફરિયાદ થતા તેઓને નાસિકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના ઉપર નાની સર્જરી કરવામાં આવી હતી અને હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસે આ અંગે પોતાના ટ્વિટર ઉપર પોસ્ટ કરી માહિતી આપી હતી.
એક દિવસ બાદ રજા મળી જશે : કોંગ્રેસ પ્રવક્તા
મહારાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હૃદય રોગનો હળવો હુમલો આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન નાગપુરમાં તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને નાસિકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર, તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. એઆઈસીસી સચિવ અનંત પટેલ હોસ્પિટલ પર પહોંચ્યા છે.
તાજેતરમાં રાજકોટ લોકસભાની ચૂંટણી લડ્યા હતા
ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી અમરેલીથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા બાદ તેમને કોંગ્રેસે તાજેતરમાં પરસોત્તમ રૂપાલા સામે રાજકોટ લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડાવી હતી. જો કે કમનસીબે તેઓ આ ચૂંટણી પણ હારી ગયા હતા. અગાઉ તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. ત્યારબાદ હાલમાં તેઓ મહારાષ્ટ્ર ખાતે વિધાનસભાની ચૂંટણી અર્થે પ્રચારમાં હતા ત્યારે તેમની તબિયત અચાનક બગડી હતી.
આ પણ વાંચો :- ધનતેરસે લાભદાયી સમાચાર, દેશની તિજોરીમાં 102 ટન સોનાનો વધારો થયો