ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોરેન્સ બિશ્નોઈ ગેંગની પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી, સાંસદે કેન્દ્ર પાસે માંગી સુરક્ષા

  • પપ્પુ યાદવના ઘણા લોકેશન્સની સતત રેકી કરવામાં આવતી હોવાનો ધમકી આપનાર વ્યક્તિનો દાવો

પટના, 28 ઓક્ટોબર: બિહારના પૂર્ણિયા બેઠકના સાંસદ પપ્પુ યાદવને આજે સોમવારે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતાં અહેવાલો મુજબ, આ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીભર્યો કોલ કરનાર કોલરનો દાવો છે કે, તે પપ્પુ યાદવના ઘણા લોકેશન્સની સતત રેકી કરી રહ્યો છે અને તેને મારી નાખશે. એટલું જ નહીં પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. પપ્પુ યાદવે બિહારના ડીજીપીને મામલાની જાણકારી આપી જેથી તેના પર કાર્યવાહી થઈ શકે આ ઉપરાંત સાંસદે કેન્દ્ર સરકાર પાસેથી સુરક્ષાની માંગ પણ કરી છે અને કેન્દ્ર-રાજ્ય સરકારને પોતાની સુરક્ષા માટે જવાબદાર ઠેરવી છે.

 

ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે, લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જામર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, કાયદો જો પરવાનગી આપે તો તે 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારના સમગ્ર નેટવર્કને ખતમ કરી દેશે.

બાબા સિદ્દીકીની હત્યા શરમજનક

પપ્પુ યાદવે બાબા સિદ્દીકીની હત્યાને શરમજનક ગણાવી હતી. તેણે લખ્યું હતું કે, બિહારના પુત્ર બાબા સિદ્દીકીની હત્યા અત્યંત દુઃખદ છે. જો ભાજપની ગઠબંધન સરકાર પોતાના પક્ષના આવા પ્રભાવશાળી નેતાઓને બચાવવા સક્ષમ ન હોય તો સામાન્ય લોકોનું શું થશે? જો કે આ પછી પપ્પુ યાદવે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને લોરેન્સ બિશ્નોઈ વિશે પ્રશ્નો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે પત્રકારોને કહ્યું કે, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આ બધા નકામા પ્રશ્નો અહીં ન પૂછો. પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવનો આ વીડિયો પણ વાયરલ થયો હતો.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની લીધી હતી જવાબદારી 

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને દાઉદ ગેંગના નજીકના લોકોને પણ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, આવા લોકોએ પોતાનો હિસાબ રાખવો જોઈએ. બાબા સિદ્દીકીને રાજનીતિની સાથે-સાથે બોલિવૂડના લોકો સાથે પણ ગાઢ સંબંધ હતો. તેમની ઈફ્તાર પાર્ટીઓમાં મોટી-મોટી હસ્તીઓ જતી હતી. તેઓ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને NCP (અજિત પવાર)માં જોડાયા હતા.

આ પણ જૂઓ:સલમાન ખાન માફી માંગી લે, લોરેન્સ એક બદમાશ છે: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સલાહ 

Back to top button