ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના કુખ્યાત ધમા બારડ અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

  • અપહરણ અને ખંડણી તેમજ મારામારી જેવા 26 જેટલા ગુના નોંધાયા છે
  • અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા અનેક બિલ્ડર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો
  • અગાઉ ધમો બારડ અને અન્ય આરોપીઓ ફરાર હતા તેમને દબોચ્યા છે

અમદાવાદના કુખ્યાત ધમા બારડ અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં લૂંટ, ધાડ, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી તેમજ મારામારી જેવા 26 જેટલા ગુના આચરીને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાવનાર ધમા બારડ અને તેની ગેંગના બે સભ્યો વિરૂદ્ધ ડીસીપી ઝોન-4 દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીના ભાગરૂપે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા અનેક બિલ્ડર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો

પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા અનેક બિલ્ડર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના કૃષ્ણનગરમાં દોઢ મહિના પહેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમો અભેસિંહ બારડ (ઉ.વ.32) (રહે. પાશ્વનાથ ટાઉનશીપ, નવા નરોડા), સાહિલ પટેલ (રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, કૃષ્ણનગર) અને ચિરાગ મરાઠી (રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, કૃષ્ણનગર) દ્વારા એક વેપારીને મારમારીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ બનાવ બાદ ધમો બારડ અને અન્ય આરોપીઓ ફરાર હતા.

પૂર્વ વિસ્તારના બિલ્ડરોમાં તેના કારણે સતત ભયનો માહોલ રહેતો હતો

ડીસીપી ઝોન-4ના સ્ક્વોડ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.આર.ધવન દ્વારા ટેકનીકલ એનાલીસીસને આધારે ધમા બારડને ઝડપી લીધો હતો. ધર્મેન્દ્રસિંહ બારડ અને તેની ગેંગ વિરૂદ્ધ છેલ્લાં 10 વર્ષમાં 26 જેટલા ગંભીર ગુના નોંધાયા હતા . જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, પ્રોહીબીશન, ખંડણી, અપહરણ , સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય સહિતના ગુનાનો સમાવેશ થતો હતો. જેના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ પૂર્વ વિસ્તારના બિલ્ડરોમાં તેના કારણે સતત ભયનો માહોલ રહેતો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને ઝોન-4ના ડીસીપી ડૉ.કાનન દેસાઇએ આરોપી વિરૂદ્ધ ગુજસીકોટ હેઠળ કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.જેના આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇએ ધમા બારડ, સાહિલ પટેલ અને ચિરાગ મરાઠી વિરૂદ્ધ ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરીને હતી. જે મંજુર થતા ગુજસીટોકનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: વિદેશમાં વિઝા અને નોકરીના બહાને લોકો સાથે છેતરપિંડી

Back to top button