વડોદરા: PM Modi અને સ્પેનના વડાપ્રધાન આજે એરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે
- C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન
- ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે
- “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” પહેલને સમર્થન
વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા ખાતે પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 ઓક્ટોબરે વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.
ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે
ઉલ્લેખનીય છે કે C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે. 24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 56 C295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL, TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) MoD/IAF માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર (IAC) છે અને તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યા છે.
અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે
ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) સુવિધાની સ્થાપના, જે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે, તે ડિફેન્સ પ્રોડક્શનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. આ ફેસિલિટી ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) હશે. આ ફેસિલિટી ખાતે એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) ઉપરાંત, પ્રોડક્શન, એસેમ્બલી અને પરીક્ષણ માટે જરૂરી સહાયક હશે. વડોદરા ખાતેની ફેસિલિટીને અદ્યતન એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક શ્રેષ્ઠ ઔદ્યોગિક પદ્ધતિઓ અને પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
“મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” પહેલને સમર્થન
આ ફેસિલિટી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ ધરાવે છે, જેમાં એરક્રાફ્ટ ઉત્પાદન માટેની જટિલ પ્રક્રિયાઓને હેન્ડલ કરવા માટેના અત્યાધુનિક સાધનોનો પણ સમાવેશ થાય છે. તે સંવેદનશીલ એસેમ્બલી પ્રક્રિયાઓ માટે આબોહવા-નિયંત્રિત વાતાવરણ ધરાવે છે અને તેમાં ક્લીનરૂમ (ક્લીનરૂમ એ નિયંત્રિત વાતાવરણ છે જે સ્વચ્છ જગ્યાની ખાતરી કરવા માટે પ્રદૂષકોને ફિલ્ટર કરે છે) સાથે અદ્યતન સામગ્રી હેન્ડલિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફેસિલિટીમાં ઇન-બિલ્ટ પરીક્ષણ સુવિધાઓ દ્વારા ગુણવત્તા નિયંત્રણની ખાતરી જેમ કે, માળખાકીય ઇન્ટિગ્રિટી, એવિઓનિક્સ કાર્યક્ષમતા અને સિસ્ટમની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી દરેક એરક્રાફ્ટ તહેનાત થાય એ પહેલાં કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે.
એરક્રાફ્ટની સ્વદેશી સામગ્રીમાં નોંધપાત્ર વધારો
આ પ્રોજેક્ટમાં કોમ્પોનન્ટ્સ અને પેટા-સિસ્ટમના સપ્લાય માટે કેટલાક ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે સહયોગ કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટની સ્વદેશી સામગ્રીમાં નોંધપાત્ર વધારો થવાથી ભારત સરકારની “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” પહેલને સમર્થન મળશે અને આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે.
આ પણ વાંચો: વડોદરાના આ 33 રૂટ પર ડાયવર્ઝન રહેશે, ભારત-સ્પેનના PMની મુલાકાતને લઈ પોલીસનું જાહેરનામું