અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, આ સમય દરમિયાન નહિ ફોડી શકો ફટાકડા
અમદાવાદ, 27 ઓકટોબર : અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસની લાલ આંખ
પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, ધ્વનિ પ્રદૂષણ નિયમો 2000 અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો પણ નક્કી કરાયાં છે અને તેનું ચૂસ્તપણે પાલન જરૂરી છે. દિવાળીમાં ફટાકડા ફૂટવાના કારણે અને નવરાત્રિ તેમજ લગ્નપ્રસંગ અને મેળાવડાઓ દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોથી પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે.
પ્રતિબંધ 31મી ડીસેમ્બર સુધી લંબાવતું જાહેરનામું
રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં હોર્ન તથા પ્રદૂષણ પેદા કરતાં બાંધકામ અંગેના સાધનો તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ છે. અમદાવાદમાં અમલમાં રહેલો આ પ્રતિબંધ 31મી ડીસેમ્બર 2024 સુધી લંબાવતું જાહેરનામું પોલીસ કમિશનરે જાહેર કર્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની સત્તા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારીને આપવામાં આવી છે.
આમ તો આ પ્રકારનું જાહેરનામું અને તેની અમલવારી પોલીસ તંત્ર માટે સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ જાહેરનામાના અમલની પધ્ધતિ નાગરિકો માટે ઘણી વખત પીડારૂપ પણ બની જાય છે. દિવાળીના તહેવારો દરમિયાન રાતના સમયે ફટાકડા ફોડવાની પરંપરા છે.
પોલીસ પાસે નથી વ્યવ્સ્થા
દિવાળીની રાત પડે તે પછી મધ્યરાત્રી અને વહેલી સવાર સુધી ગુજરાતમાં ફટાકડાના ધૂમધડાકા શમતાં નથી. આ પ્રકારના નવા વર્ષને આવકારવાની પરંપરા ઉપર આમ તો વિતેલા 10 વર્ષથી કાયદાકીય રીતે સમયની મર્યાદાઓ લાગુ કરવામાં આવી છે. કાયદાને માન આપીને ઘણાંખરાં નાગરિકો તેનો અમલ પણ કરે છે. છતાં અનેક સ્થળોએ મોડી રાત અને વહેલી સવાર સુધી ફટાકડા ફૂટતાં જ રહે છે. પોલીસ પાસે ફટાકડાના ધ્વનિ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ માપી શકાય તેવી કોઈવ્યવસ્થા નથી.
આ પણ વાંચો : ‘પાપા, હું શ્વાસ નથી લઈ શકતો’ અભિનેતા ઝાયેદ ખાને યાદ કરી પુત્રની જીવલેણ સ્થિતિ, જૂઓ વીડિયો