ઈરાનની જેલમાં બંધ નોબેલ વિજેતા નરગીસ મોહમ્મદીની વધી મુશ્કેલી, વધુ છ મહિનાની કેદ
દુબઈ, 26 ઓકટોબર: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈરાની સત્તાવાળાઓએ તેને વધુ 6 મહિનાની કેદની સજા ફટકારી છે. માનવાધિકાર કાર્યકર્તા નરગીસ માટે અભિયાન ચલાવી રહેલા એક ગ્રુપ ફ્રી નરગિસ એલાયન્સ તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે, મોહમ્મદીને 19 ઓક્ટોબરે આદેશનો અનાદર કરવા અને આદેશનો વિરોધ કરવા બદલ વધારાની છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. નરગીસ મોહમ્મદીએ નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર 19મી મહિલા છે
એલાયન્સના જણાવ્યા અનુસાર, નરગીસે 6 ઓગસ્ટના રોજ એવિન જેલના મહિલા વોર્ડમાં અન્ય એક રાજકીય કેદીને ફાંસી આપવાનો વિરોધ કર્યા બાદ આ આરોપ લગાવવામાં આવ્યો હતો.
નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર 19મી મહિલા
નરગીસ મોહમ્મદી નોબેલ શાંતિ પુરસ્કાર જીતનારી 19મી મહિલા છે અને 2003માં માનવાધિકાર કાર્યકર્તા શિરીન એબાદી બાદ તે બીજી ઈરાની મહિલા છે.
ઈરાની સત્તાવાળાઓ દ્વારા વર્ષો સુધી જેલ અને ધરપકડ છતાં નરગીસે તેની સક્રિયતા ચાલુ રાખી છે. હાલમાં તેને ઈરાનની એવિન જેલમાં રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ જેલમાં રાજકીય કેદીઓ અને પશ્ચિમી દેશો સાથે સંબંધ રાખનારા લોકો રહે છે, જેમાં તે પહેલાથી જ 30 મહિનાની સજા કાપી રહી હતી, તેમાં જાન્યુઆરીમાં વધુ 15 મહિના ઉમેરવામાં આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
નરગીસ મોહમ્મદીને 2021માં અટકાયતમાં લેવામાં આવી હતી જ્યારે તેણીએ 2019માં ગેસોલિનના વધતા ભાવોને લઈને રાષ્ટ્રવ્યાપી વિરોધમાં માર્યા ગયેલા એક વ્યક્તિના સ્મારકની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો. જેલમાં હોવા છતાં, નરગીસ મોહમ્મદીની હિંમત તૂટી નહીં અને તેણે ન્યૂયોર્ક ટાઇમ્સ માટે ઓપિનિયન લખ્યો હતો. તેણે પોતાના લેખોના આધારે ઈરાન સરકારને ઘણી વખત પડકાર ફેંક્યો છે.
પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય મહિલાના મૃત્યુ બાદ ગયા વર્ષે શરૂ થયેલા દેશભરમાં મહિલાઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનમાં નરગીસ અગ્રણી હતી.
આ પણ જૂઓ: ઈઝરાયેલનો ઈરાનના સૈન્ય મથકો પર મોટો હુમલો, IDFએ કહ્યું: આ અમારો જવાબી હુમલો