દિવાળી ટાણે સુરેન્દ્રનગરમાં 2 ખેડૂતોના વીજ કરંટથી મૃત્યુ, પરિવારે વીજ કંપનીને ગણાવી જવાબદાર
સુરેન્દ્રનગર, 26 ઓકટોબર, છેલ્લા બે દિવસથી ઘણા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સુરેન્દ્રનગરના મુળીથી સવાર સવારમાં દર્દનાક સમાચાર સામે આવ્યા છે. ખેતરમાં દવા છાંટતી વખતે બે લોકોને કરંટ લાગતાં તેમના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે. ઘટનાના પગલે સુરેન્દ્રનગર પંથકમાં માતમ છવાઇ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગરના મુળી ગામે વિપુલભાઇ અને ગટુભાઇ કોળી ખેતરમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતો જમીનમાંથી પસાર થઇ રહેલા વાયરમાંથી કરંટ લાગતાં બંનેના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. આ દર્દનાક ઘટનાથી પરિવારના માથે આફતનું આભ તૂટી પડ્યું છે. કરંટ બનાવની જાણ થતાં સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે અને શોકનો માહોલ છે.
આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો બીજી તરફ પરિવારે આક્ષેપ કર્યો છે કે વીજ કંપનીની બેદરકારીના લીધે તેમને પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે, તેમણે વીજ કંપનીના કર્મીઓ સામે ગુનો નોંધાય તેવી માંગ કરી છે.
આ પણ વાંચો…ગુરુગ્રામમાં એક મકાનમાં લાગી આગ, 4 લોકો જીવતા ભૂંજાયા