અમદાવાદની હવા બની ઝેરી, AQIના સ્તરમાં થયો વધારો
અમદાવાદ, 26 ઓકટોબર, દિવાળી આવી છે, સૌ કોઈ દિવાળીનો તહેવાર ધામધુમ પૂર્વક ઉજવશે. મીઠાઈ ખવાશે, દિવડા પ્રગટાવાશે અને ભવ્ય આતાશબાજી કરાશે. પરંતુ આ વખતે અમદાવાદની હવાને વધારે બગાડશે તે નક્કી છે. કારણ કે આપણું અમદાવાદ દિવસેને દિવસે પ્રદૂષિત બની રહ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 250 થી ઉપર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, શૂન્યથી 50 AQI હોય તો હવા સારી ગણાય છે. 50થી 100 AQI હોય તો ગુણવત્તા સમાન્ય ગણાય છે. 100થી 200ની વચ્ચે હવાની ગુણવત્તા ખરાબ કહેવાય છે.
દિવાળી પહેલા અમદાવાદના વિવિધ વિસ્તારોના એર ક્વોલિટી વણસવાની શરૂઆત થઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ ચાંદખેડા, એરપોર્ટ અને રાયખડ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર કરી ગયો હતો. હવામાં પ્રદૂષણના પ્રમાણનો આંક 200થી વધુ હોય તો લોકોના આરોગ્યને નુકસાન થાય છે. અમદાવાદની હવા પ્રદૂષિત બની છે. મોડી રાત્રે અને વહેલી સવારે ફેક્ટરીઓમાંથી છોડાતા ધુમાડાના કારણે હવાનું પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં સૌથી ખરાબ ગુણવત્તાની હવા હોવાનું સામે આવ્યું છે. સતત વધતાં વાહનો અને કંપનીના ધુમાડાને કારણે અમદાવાદની હવા બગડી રહી છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિવાળી પહેલા અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં AQI 250થી ઉપર છે. ચાંદખેડામાં AQI 279, ગ્યાસપુરમાં AQI 216 નોંધાયું છે. રાયખડમાં AQI 267, બોપલમાં AQI 261 નોંધાયું છે. આ પરથી લાગી રહ્યું છે કે,દિવાળી દરમિયાન AQIનો આંકડો વધી શકે છે. અમદાવાદીઓ ઝેરી હવા લેવા મજબૂર બન્યા છે.
ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉધોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઇવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઇવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે.
આ પણ વાંચો…મહેસુલ વિભાગ દ્વારા 79 ડે.કલેક્ટરની બદલી અને 44 મામલતદારોને નાયબ કલેક્ટરની બઢતી અપાઈ, જૂઓ યાદી