આજે શેરબજારમાં ત્રાટકી સુનામી…10 લાખ કરોડ સ્વાહા
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: આજે સવારથી શેરબજારમાં ઘટાડો (સ્ટોક માર્કેટ ક્રેશ) જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં શેરબજારમાં નીચું નુકસાન થયું હતું, પરંતુ ધીમે ધીમે આ ઘટાડો તીવ્ર બન્યો અને થોડી જ વારમાં બજારમાં રોકાણકારોના રૂ. 10 લાખ કરોડનું ધોવાણ થયું. બેન્ક નિફ્ટી, સ્મોલ કેપ અને મિડ કેપ સૂચકાંકોમાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક 1100થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ્સ તૂટ્યો હતો, આ સિવાય નિફ્ટી લગભગ 300 પોઈન્ટ ઘટીને 24100ની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો.
રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન!
છેલ્લા કેટલાક દિવસોથી, ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા સતત ઉપાડના કારણે ભારતીય શેરબજાર દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી દરરોજ ઘટી રહ્યા છે. આજે મિડકેપ અને સ્મોલકેપ પોર્ટફોલિયો શેરબજારમાં સુનામીની જેમ તૂટી પડ્યા હતા. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 9.8 લાખ કરોડ ઘટીને રૂ. 435.1 લાખ કરોડ થયું છે. મતલબ કે માત્ર એક જ દિવસમાં રોકાણકારોના વેલ્યુએશનમાં આશરે રૂ. 10 લાખ કરોડનો ઘટાડો થયો છે.
આ સ્ટોક લગભગ 19% ઘટ્યો
સવારે સેન્સેક્સ નજીવા વધારા સાથે 80,187.34 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે તેની દિવસની ઉચ્ચ સપાટી 80,253.19 હતી. જોકે, બજાર બંધ થાય ત્યાં સુધીમાં સેન્સેક્સ -663 પોઈન્ટ ઘટીને 79,402.29 પર બંધ થયો હતો. નિફ્ટી 218.60 પોઈન્ટ ઘટીને 24,180.80 પર બંધ થયો હતો, જે આજે સવારે 24,418.05 પર ખુલ્યો હતો. બીએસઈના ટોચના 30 શૅર્સમાંથી 20 શૅર્સ ઘટયા હતા, જ્યારે 10 શૅર્સ વધ્યા હતા. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 18.79 ટકા ઘટીને રૂ. 1038 થયો હતો.
આ 12 શેરમાં મોટું ધોવાણ
ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 18.79 ટકા ઘટીને રૂ.1038 પર બંધ થયો હતો.
પૂનાવાલા ફિનકોર્પનો શેર 17.19 ટકા ઘટીને રૂ. 297 પર હતો.
ડિક્સન ટેક્નોલોજીસનો શેર 7.43 ટકાના ઘટાડા સાથે રૂ. 13,937 પર બંધ થયો હતો.
HPCLના શેરમાં 8 ટકા અને પતંજલિ ફૂડના શેરમાં પણ 7 ટકાનો ઘટાડો થયો હતો.
ચેન્નાઈ પેટ્રો કોર્પ, હિન્દુસ્તાન કોપર અને ગો ડિજીટના શેરમાં 6.5 ટકાનો ઘટાડો થયો હતો.
લાર્જકેપમાં અદાણી ગ્રીન સોલ્યુશન અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર 5.84 ટકા તૂટ્યા હતા.
BPCL અને શ્રીરામ ફાઇનાન્સના શેર પણ લગભગ 5 ટકા ઘટીને બંધ થયા છે.
આજે 101 શેર તેમની 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 202 શેર તેમની 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા. 3857 શેરોમાંથી 606 શેર લીલા અને 3146 શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. લગભગ 105 શેર યથાવત રાખવામાં આવ્યા હતા. જ્યારે BSE મિડકેપ ઈન્ડેક્સ 872.57 પોઈન્ટ ઘટીને, BSE સ્મોલ કેપ ઈન્ડેક્સ 1343 પોઈન્ટ ઘટીને 52,300 પર રહ્યો હતો.
BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ સૌથી વધુ 2300 પોઈન્ટ ઘટીને 60,604 પર હતો, ત્યારબાદ કેપિટલ ગુડ્સ અને ઓટો ઈન્ડેક્સ અનુક્રમે 2021 પોઈન્ટ્સ અને 1554 પોઈન્ટ્સ ઘટ્યા હતા.
શેરબજારના ધોવાણ પાછળ આવા છે કારણ
યુએસ ચૂંટણી 2024
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર જોવા મળી છે. ઘણા ઓપિનિયન પોલમાં કમલા હેરિસ તો અમુક ઓપિનિયન પોલમાં ટ્રમ્પની જીત જોવા મળી છે. ફેડ દ્વારા પણ વ્યાજના દરમાં ઘટાડો થવાની અટકળોના પગલે રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
એફઆઈઆઈની વેચવાલી
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ચીનમાં નીચા ભાવે રોકાણની નીતિ અપનાવી રહેલા વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી મોટાપાયે વેચવાલી નોંધાવી છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 97205.42 કરોડની વેચવાલી નોંધાવી છે. ચીને રાહત પેકેજ જારી કરતાં વિદેશી રોકાણકારો ભારતના બદલે ચીનના બજારોમાં રોકાણ કરવા આકર્ષિત થયા છે. કારણકે, ભારતીય શેરબજારમાં વોલ્યૂમ ખૂબ ઊંચા છે, જ્યારે ચીનમાં નીચા ભાવે ખરીદી કરવાની તક છે.
નબળા ત્રિમાસિક પરિણામો
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં આઈટી, રિયાલ્ટી અને ઓટો કંપનીઓના પરિણામો એકંદરે અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓએ નિરૂત્સાહી પરિણામો જાહેર કરતાં તેની અસર શેરબજાર પર જોવા મળી છે.
જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ
ઈરાન અને ઈઝરાયલ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલની સેના ટૂંકસમયમાં ગાઝા સીઝ ફાયર ડીલ મુદ્દે ચર્ચા કરે તેવા અહેવાલો મળ્યા છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસની અસર શેરબજાર પર થઈ છે.
ઊંચા વોલ્યૂમમાં પ્રોફિટ બુકિંગ
સ્થાનિક સ્તરે ભારતીય શેરબજાર છેલ્લા નવ મહિનાથી સતત વધી રહ્યા છે. વોલ્યૂમ ખૂબ ઊંચા થયા છે. જેના પગલે રોકાણકારો વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કરી રહ્યા છે. દિવાળી ટાણે કેટલાક રોકાણકારો પોતાનો જૂનો માલ ખાલી કરી નવો માલ ખરીદવાની તૈયારીઓ કરતાં પણ જોવા મળ્યા છે. માર્કેટના નિયમ મુજબ, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જારી તેજી વચ્ચે મોટુ કરેક્શન જરૂરી છે.
આ પણ વાંચો : બિહાર પેટાચૂંટણી/ પ્રશાંત કિશોરમાંથી ઉમેદવાર પસંદ કરવામાં શા માટે થઈ રહી છે ભૂલો?