ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જસ્ટિન ટ્રુડો પર સાંસદોનું અલ્ટીમેટમ બિનઅસરકારક, PMની ખુરશી છોડવાનો ઇનકાર; લડશે ચૂંટણી

Text To Speech
  • PM ટ્રુડોએ આગામી ચૂંટણી પહેલા પદ છોડવું જોઈએ તેવી પાર્ટીના સાંસદોની માગણી

ઓટાવા, 25 ઓકટોબર: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની પાર્ટીના સાંસદોની નારાજગી છતાં આગામી ચૂંટણીમાં લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ઘણા લિબરલ પાર્ટીના સાંસદોએ માગણી કરી હતી કે, જસ્ટિન ટ્રુડોએ આગામી ચૂંટણી પહેલા પદ છોડવું જોઈએ અને આગામી ચૂંટણી લડવી જોઈએ નહીં. સાંસદોનું માનવું છે કે, ટ્રુડો સરકાર સામે લોકોમાં ભારે નારાજગી છે. જોકે, હવે પોતે જસ્ટિન ટ્રુડોએ સ્પષ્ટ કર્યું છે કે, “તેઓ પીછેહઠ કરવા તૈયાર નથી. તેઓ ફરીથી ચૂંટણી લડશે અને લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરશે.” ટ્રુડોએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તેમની પાર્ટીમાં બળવો જોવા મળી રહ્યો છે.

 

જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પત્રકારોએ પૂછ્યું કે, શું તેઓ 28 ઓક્ટોબર પછી પણ PM તરીકે ચાલુ રહેશે? જેના પર ટ્રુડોએ સ્પષ્ટ કહ્યું કે, “હા.” ટ્રુડોએ કહ્યું કે, “આગળનો રસ્તો શું હશે તે અંગે પાર્ટીની અંદર ગંભીર ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ બધું મારા નેતૃત્વમાં થશે. હું આગામી ચૂંટણી લડીશ.” આ સિવાય લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડોને પીએમ પદ છોડવાનો નિર્ણય લેવા માટે 28 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. તાજેતરમાં, બે જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ પાર્ટીની અંદર ટ્રુડોના નેતૃત્વ સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

ટ્રુડોની લોકપ્રિયતા ઘટી રહી છે

મહત્ત્વપૂર્ણ છે કે, જસ્ટિન ટ્રુડો છેલ્લા નવ વર્ષથી સત્તામાં છે. કેનેડાના ઈતિહાસમાં એક સદી કરતાં પણ વધુ સમયમાં કોઈ કેનેડિયન વડાપ્રધાન સતત ચાર ચૂંટણી જીત્યા નથી. જસ્ટિન ટ્રુડો આ રેકોર્ડ પોતાના નામે કરવા માંગે છે પરંતુ સર્વેના પરિણામો તેમની તરફેણમાં જણાતા નથી. ટ્રુડોની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. કેનેડામાં ચૂંટણી આ વર્ષના અંતથી આવતા વર્ષના ઓક્ટોબર વચ્ચે કોઈપણ સમયે યોજાઈ શકે છે.

આ પણ જૂઓ: સ્માર્ટ બોમ્બ શું છે, જેના વડે ઇઝરાયેલ લેબનોનમાં મચાવી રહ્યું છે તબાહી

Back to top button