ગુજરાતહેલ્થ

વિદેશમાં તબીબી અભ્યાસ કરી ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા આ ડૉક્ટર્સ માટે જાહેર થયો નવો નિયમ, જાણો શું છે

ગાંધીનગર, 24 ઓક્ટોબર : ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એલોપેથિક ડોક્ટર્સ માટે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જેથી હવે વિદેશમાં એમબીબીએસ પાસ કરીને ગુજરાત આવેલા ડોક્ટર્સે પોતે એમ.ડી. ફિઝિશિયન અથવા ‘ડોક્ટર ઓફ મેડિસિન’ નહીં દર્શાવી કે લખી શકે. તેમને ફરજિયાત તેમની મૂળ ડીગ્રી એટલે કે, એમબીબીએસ જ લખવાનું રહેશે. જો નિયમનો ભંગ કરાશે તો તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સુધીના એક્શન લેવાશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

એલોપેથિક ડોકટર્સ માટે અગત્યની જાહેર નોટીસ

(1) એમબીબીએસ પાસ થઈને આવેલા ડોક્ટર્સ માત્ર એમબીબીએસ જ લખે

ભારત દેશ બહાર એમબીબીએસ પાસ થઈને આવતા કેટલાક ડોકટર્સ (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGs)) કે જે ભારત દેશની એમબીબીએસ લાયકાતને સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા છતાં પોતે એમડી ફિઝિશિયન અથવા ડોકટર ઓફ મેડીસીન લાયકાતધારક હોવાનું દર્શાવી/લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMGs) એ તેઓના પ્રિસ્ક્રીપ્શન, વીઝીટીંગ કાર્ડ, લેટર પેડ, સાઈન બોર્ડ, રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે જેવી તમામ જગ્યાઓ પર ફક્ત એમબીબીએસ જ લખવાનું રહેશે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

(2) જીએમસીએ ઇસ્યુ કરેલો લાયસન્સ નંબર ફરજિયાત લખવાનો રહેશે

ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડોક્ટરોએ તેઓના પ્રિસ્ક્રીપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે પર તેઓને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ લાયસન્સ નંબર ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

(3) એલોપેથિક ડોક્ટરોએ પ્રેક્ટિસ કરવા જીએમસીમાં લાયસન્સ ફરજિયાત લેવું

તમામ એલોપેથિક ડોક્ટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા સારું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાયસન્સ લેવું ફરજિયાત છે. અન્ય રાજ્યનું કે એમસીઆઈ/એનએમસીનું રજીસ્ટ્રેશન/લાયસન્સ હોય છતાં ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લેવું ફરજિયાત છે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

(4) સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

ગુજરાત મેડિકલ કાઉન્સિલના ધ્યાન પર આવેલ છે કે ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા કેટલાક સ્પેશ્યાલિસ્ટ/ સુપર-સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું ફક્ત એમબીબીએસનું જ રજીસ્ટ્રેશન/ લાયસન્સ ધરાવે છે પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ એમડી / એમએસ જેવી સ્પેશ્યાલીટી કે એમસીએચ/ ડીએમ જેવી સુપર સ્પેશ્યલિટી ડિગ્રીનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લીધેલ નથી, તો આવા ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને તેઓની એમસીઆઈ/ એનએમસી દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સ્પેશ્યાલીટી કે સુપર સ્પેશ્યાલીટી ડિગ્રીનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોઈ સત્વરે કરાવી લેવા જણાવવામાં આવે છે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button