બર્મિંગહામ ખાતે હાલ ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સૌરવ ઘોષાલે સ્ક્વોશ ગેમમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. ભારતને અત્યારસુધીમાં સ્ક્વોશમાં સૌ પ્રથમ વખત કોઈ મેડલ મળ્યો છે. ભારતના દિગ્ગજ ખેલાડી સૌરવ ઘોષાલે સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ નંબર વન 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા જેમ્સ વિલસ્ટ્રોપને 3-0થી હરાવ્યો હતો. પ્રથમ ગેમ સૌરવે 11-6થી અને બીજી ગેમ પણ 11-1થી જીતી હતી. તે જ સમયે ત્રીજી ગેમમાં સૌરવે વિલસ્ટ્રોપને 11-4થી હરાવ્યો હતો. જીત બાદ સૌરવ ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો હતો.
સૌરવ કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ સિંગલ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય
આ જીત સાથે સૌરવે ઈતિહાસ પણ રચી દીધો છે. કોઈપણ કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશમાં આ ભારતનો પહેલો મેડલ છે જેમાં પુરૂષો અને મહિલાઓની સિંગલ્સ ઇવેન્ટ પણ સામેલ છે. સૌરવ કોમનવેલ્થ ગેમ્સમાં સ્ક્વોશ સિંગલ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તમામ કોમનવેલ્થ ગેમ્સમાં સૌરવનો આ માત્ર બીજો મેડલ છે. અગાઉ સૌરવે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં મિશ્ર ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ સિંગલ્સમાં સૌરવનો આ પહેલો મેડલ છે. આ સિવાય તેણે એશિયન ગેમ્સમાં સાત મેડલ જીત્યા છે. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.