કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથના દરિયાકિનારેથી શંકાસ્પદ પેકેટ મળ્યા, ડ્રગ્સ હોવાની શંકા

Text To Speech
જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠેથી આજે કેટલાક શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. મરીન પોલીસે તે કબ્જે કરી આ પેકેટમાં શું છે ? તે જાણવા તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારેથી પણ આ પ્રકારના કેટલાક શંકાસ્પદ પાર્સલ મળ્યા હતા. એક એક કિલોના આ પાર્સલમાં કોઈક પાઉડર ભરેલું હોય હાલ પોલીસે તે શું છે તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
 પ્રથમ અર્ધ સળગેલા 2 પેકેટ અને ત્યારબાદ વધુ તપાસ કરતા બીજા ચાર પેકેટ મળ્યા
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગત મોડી સાંજથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીને આધારે જૂનાગઢ એસ.ઓ.જી ની ટીમ દ્વારા આ ઓપરેશનને એક્ટિવ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા માંગરોળના નવી બંદર વિસ્તારમાં બનતી નવી જેટીના દરિયા કિનારા પાસેથી અર્ધ સળગેલી હાલતમાં બે પેકેટ અને બાકીના ચાર પેકેટ મળી કુલ છ પેકેટનો બિનવારસી હાલતમાં કબજે કર્યા હતા.
વહેલી સવારે બીજા 32 પેકેટ મળ્યા, દરેક પેકેટ પર ‘NABOB’ નામની કોફી કંપનીનું નામ લખેલું
આ અંગે જૂનાગઢ પોલીસ સતર્ક બની ગઈ હતી અને દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીઓને પણ સતત કરી દેવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને માંગરોળ, ચોરવાડ, શીલ સહિતના દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે પોલીસને ફરીથી 32 જેટલા શંકાસ્પદ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. કુલ 39 જેટલા પેકેટો અત્યાર સુધીમાં મળી આવ્યા છે આ અંગે પોલીસે એફએસએલને જાણ કરી અને આ નશીલો પદાર્થ ચરસ જ છે કે અન્ય કોઈ બીજી વસ્તુ તે અંગે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી જે શંકાસ્પદ પેકેટ કબજે કરવામાં આવ્યા છે તેમાંના મોટાભાગના પેકેટ પર ‘NABOB’ નામની કોફી કંપનીનું નામ લખેલું છે. કોફીના ઓરિજિનલ પેકેટ છે કે, પછી પેકેટના રેપરનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ કરાયો છે. આ અંગે FSL તપાસ બાદ ખુલાસો થઈ શકશે.
કોફીના પેકેટની આડમાં ચરસ હોવાની શંકા : એસપી શેટ્ટી
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠેથી બાતમીના આધારે 6 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દરિયાકાંઠાનું સર્ચ હાથ ધરતા કુલ 39 પેકેટ મળી આવ્યા છે. જૂનાગઢમાં આ રીતે શંકાસ્પદ પેકેટનો જથ્થો પ્રથમવાર મળી આવ્યો છે. આ પેકેટમાં ચરસ હોવાની આશંકા છે. FSLમાં તપાસ માટે શંકાસ્પદ પેકેટ મોકલી આપવામાં આવ્યા છે.
માંગરોળમાંથી મળેલા શંકાસ્પદ પેકેટ બાદ ગીર સોમનાથ પોલીસે તપાસ શરૂ કરી
દરમ્યાન માંગરોળના દરિયાકાંઠેથી મળી આવેલા શંકાસ્પદ પેકેટના પગલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથના વડોદરા ડોડીયાથી લઈને ઉનાના નવાબંદર સુધીના 70 કિમીના દરીયાકાંઠે SOG, મરીન સહિતની પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
આદ્રીથી સોમનાથ લાટી સુધીના વિસ્તારમાંથી એક – એક કીલોના 160 પેકેટ મળ્યા
આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આદેશ આપ્યા હતા જેના પગલે મરીન પોલીસ અને એસઓજીની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં આદ્રીથી સોમનાથ લાટી સુધીના વિસ્તારમાંથી એક એક કિલોના 160 જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. જે કબ્જે કરવામાં આવ્યા હતા અને તેમાં શું છે તે જાણવા તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.
દરેક પેકેટ ઉપર પાકિસ્તાની સિમ્બોલ, ડ્રગ્સ હોવાની શંકા : એસપી જાડેજા
આ અંગે જિલ્લા પોલીસ વડાએ મોડી સાંજે એક પ્રેસ કોન્ફોરેન્સ કરી હતી. જેમાં તેઓએ 160 કિલો પદાર્થ ડ્રગ્સ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને જો તે ડ્રગ્સ જ નીકળે તો તેની બજાર કિંમત રૂ.અઢી કરોડ જેટલી હોય શકે છે. હાલ આ પેકેટ તપાસમાં મોકલવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ પેકેટમાં પાકિસ્તાની સિમ્બોલ મળી આવ્યા છે.
Back to top button