નાની નાની વાતો સંબંધોને મજબૂત બનાવશે, આટલી બાબતોનું રાખજો ધ્યાન
- સંબંધોને મજબૂત બનાવવા માટે કેટલીક નાની લાગતી બાબતો પણ મહત્ત્વની છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ‘હજાર લડાઈ જીતવાનો પ્રયાસ કરવા કરતાં તમારા મન પર નિયંત્રણ રાખવું વધુ સારું
HD ન્યુઝ ડેસ્કઃ શું તમને ક્યારેય એવું લાગે છે કે તમે લોકો માટે કરો છો તેનું 50 ટકા પણ સામેવાળી વ્યક્તિ તમારા માટે નથી કરતી. શું તમને લાગે છે કે લોકો તમને જાણી જોઈને નજરઅંદાજ કરે છે, શું તમને લાગે છે કે તમારી આસપાસની મોટાભાગની વ્યક્તિઓ સ્વાર્થી અને ચતુર છે. જો તમને આવું લાગે છે, તો તમારે માનવ સ્વભાવ અને નૈતિકતા સાથે સંબંધિત કેટલીક બાબતોને સમજવાની જરૂર છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ‘હજાર લડાઈ જીતવાનો પ્રયાસ કરવા કરતાં તમારા મન પર નિયંત્રણ રાખવું વધુ સારું છે.’ સવાલ એ છે કે તમે લોકો પ્રત્યેના પૂર્વગ્રહોને તમે કેવી રીતે દૂર કરી શકો છો અને સૌથી મધુર અને મજબૂત સંબંધો જાળવી શકો છો, આ માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સંબંધો પર મહેનત કરો
જો કોઈની સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ ન હોય, મતભેદ હોય, તો તમે તમારા યોગ્ય વર્તનથી તે સંબંધો સુધારી શકો છો, તેને ભાગ્ય પર ન છોડો. તમારે તમારા સંબંધોને સુધારવા માટે ગંભીરતા સાથે મહેનત કરવી પડશે, જેમ લોકો પોતાની પ્રોફેશનલ કે બિઝનેસ લાઈફમાં ક્લાયન્ટ સાથેના સંબંધોને જાળવી રાખવા માટે કરે છે, એજ રીતે. સમજદારી અને સુઝબુઝથી તમે વિપરીત સ્વભાવના લોકો સાથે પણ સારા સંબંધો જાળવી શકો છો.
માનવ સ્વભાવને સમજો
લોકો સાથે મધુર સંબંધો જાળવવા માટે સૌ પ્રથમ તમારે એ સમજવું પડશે કે દરેક વ્યક્તિના પોતાના ગુણો, તેની પોતાની રુચિઓ અને પોતાનો સ્વભાવ હોય છે, જે તેને અન્ય લોકોથી અલગ વ્યક્તિત્વ આપે છે. દરેકના પોતાના વિચારો, ઈચ્છાઓ અને અપેક્ષાઓ હોય છે. આ અનુસાર તે લોકો સાથે વર્તે છે. તમારે લોકોના આ ખાસ વ્યક્તિત્વનું સન્માન કરવું પડશે. તે સંબંધોને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે.
વધારે પડતી અપેક્ષાઓ ન રાખો
આપણે બધા કોઈ પણ સંબંધ એટલે જાળવી રાખીએ છીએ કારણ કે તે આપણને શાંતિ અને આનંદ આપે છે અથવા તેનાથી આપણને ક્યાંકને ક્યાંક થોડો લાભ પણ થાય છે. આપણે આ દુનિયામાં એકલા રહી શકતા નથી. આપણે એક સામાજિક પ્રાણી છીએ, તેથી આપણે અન્ય તરફ ઝુકીએ છીએ. તેનાથી માનસિક શાંતિ મળે છે, પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે આપણે એકતરફી ફાયદા વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ અથવા આપણે લોકો પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાનું શરૂ કરીએ છીએ, જ્યારે તેમની પાસેથી વધુ પડતી ફેવર, પૈસા, પ્રશંસા અથવા અન્ય વસ્તુઓની ઇચ્છા રાખીએ છીએ. ધીમે ધીમે આપણી માનસિકતા સંબંધોમાં ફાયદો ઉઠાવવાની બની જાય છે, જે લોકો આપણા માટે થોડું કંઈક કરે છે તેની પાસે આપણે વધુની અપેક્ષા રાખવા લાગીએ છીએ. પરિણામે, તે સંબંધોમાં અંતર લાવે છે અને તેમાં ખટાશ ઉત્પન્ન કરે છે. અંતમાં સંબંધો તૂટે છે. તેથી તમે બીજા પાસેથી જેટલું લેવા માંગો છો, તમારે તેટલું તમારે આપવું પણ જોઈએ. આપણે સમજવું જોઈએ કે સંબંધોની રેલગાડી હંમેશા ટૂ વે પર સુગમતાથી ચાલે છે.
આપવાનો ભાવ જગાવો
તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે તમે તમારા મન અને હૃદયને વિસ્તૃત કરો. લોકો સાથે તમારા સંબંધોનું વર્તુળ વિસ્તારો. તમારા પરિવાર, સમાજ, આસપાસનો વિસ્તાર, કાર્યસ્થળના લોકો માટે કંઈક સારું કરો. તેમના સુખ-દુઃખમાં મદદ કરો, મુશ્કેલીના સમયે તેમને હિંમત આપો. લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખવાની ટેવ પાડો. પછી તમે જોશો કે તમે લોકોનો પ્રેમ અને સ્નેહ કેવી રીતે મેળવો છો અને લોકો સાથે તમારા સંબંધો સુધરશે. તમે ધીમે ધીમે જાણશો કે તમે જે પ્રેમ વહેંચ્યો છે, તમે જે સમય અને ઊર્જાનું રોકાણ કર્યું છે, તે તમને કેવું આંતરિક સુખ આપી રહ્યું છે. તમારા સંબંધોને મધુર અને ગાઢ બનાવો.
જે જેવા છે તેવા જ તેમને સ્વીકારો
લોકોને તમે એવા જ સ્વીકારો, જેવા તે છે. તમે કોઈને તમારા જેવા બનાવવાનો પ્રયાસ કરશો નહીં. તમે તેમના જેવા બની શકો તો ઠીક છે, નહીં તો સમજી લો કે તેઓ તેમના સ્વભાવ પ્રમાણે વર્તન કરશે. સંબંધોને વધુ મજબુત અને મધુર બનાવતી આ ફોર્મ્યુલા વૈવાહિક સંબંધોને જાળવી રાખવામાં પણ કારગર સાબિત થાય છે. જ્યારે તમે આ કરો છો, ત્યારે ધીમે ધીમે તમને લોકોના સકારાત્મક ગુણો દેખાવા લાગે છે. તમે તેમની બુરાઈઓ કે નકારાત્મકતાને નજરઅંદાજ કરવા માંડો છો. દેખીતી રીતે, આનાથી તમારા મનમાં તેમના પ્રત્યેની ચીઢ અથવા રોષ બંધ થઈ જાય છે, આનાથી સંબંધ વધુ સારો અને ટકેલો રહે છે.
આ પણ વાંચોઃ શું તમારી રિલેશનશિપમાં આ બાબતોને લીધે ઝઘડા થાય છે? ધ્યાન રાખો નહિ તો નુકસાન થશે