‘દાના’ વાવાઝોડાની અસર : ઓડિશામાં જગન્નાથ મંદિર અને કોણાર્ક મંદિર બે દિવસ બંધ
પુરી, 23 ઓક્ટોબર : ‘દાના’ વાવાઝોડું બંગાળની ખાડી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાથી ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થશે. તેને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે વિવિધ તૈયારીઓ કરી છે. ઓડિશા સરકારે રાજ્યના બે મુખ્ય મંદિરો જગન્નાથ મંદિર અને કોણાર્ક મંદિરને ભક્તો માટે બંધ કરી દીધા છે. આ આદેશ હાલમાં 25 ઓક્ટોબર સુધી અમલમાં છે. આ પછી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ સરકાર આ મંદિરો ખોલવા અંગે નિર્ણય લેશે.
મળતી માહિતી મુજબ, જગન્નાથ મંદિર અને કોણાર્ક મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામો છે. ભારત સહિત વિશ્વભરમાંથી દરરોજ હજારો લોકો અહીં યાત્રાએ આવે છે. આ ભીડને મેનેજ કરવા માટે પ્રશાસને મોટા પાયે વ્યવસ્થા કરવી પડશે. વાવાઝોડાની સ્થિતિમાં ભક્તોને તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે આ બંને મંદિરોને 25મી સુધી બંધ કરી દીધા છે. મંદિરો ઉપરાંત રાજ્યના સંગ્રહાલયોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
VIDEO | Cyclone Dana: “Our teams have been deployed. A total of 20 NDRF teams have been deployed in Odisha where maximum impact is said to be possible,” says NDRF DIG Mohsen Shahidi.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/MyJQCAZkKu
— Press Trust of India (@PTI_News) October 23, 2024
ઉલ્લેખનીય છે કે ‘દાના’ 24 ઓક્ટોબર એટલે કે ગુરુવારે એક ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ જશે અને 25 ઓક્ટોબરની સવારે 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. IMD અનુસાર, આ દરમિયાન 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પુરીમાં હવામાન વિભાગે માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સૂચના આપી છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે NDRFની ટીમો હાજર છે અને લોકોને દરિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે.
ત્યારે આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રેલવે પણ એલર્ટ પર છે. ઓડિશા અને બંગાળ રૂટ પરની ડઝનબંધ ટ્રેનો રદ કરવામાં આવી છે. દક્ષિણ 24 પરગણામાં દાના સંદર્ભે વહીવટી અધિકારીઓની બેઠક પણ યોજવામાં આવી છે. કટોકટીનો સામનો કરવા માટે, સરકારે સેંકડો ટન અનાજ અને ખાદ્ય પદાર્થો ઓડિશા મોકલ્યા છે.
આ પણ વાંચો :- ગેંગસ્ટર છોટા રાજનને રાહત, બોમ્બે HCએ આજીવન કેદની સજા નાબૂદ કરી જામીન આપ્યા