ગેંગસ્ટર છોટા રાજનને રાહત, બોમ્બે HCએ આજીવન કેદની સજા નાબૂદ કરી જામીન આપ્યા
મુંબઈ, 23 ઓક્ટોબર : બોમ્બે હાઈકોર્ટે બુધવારે ગેંગસ્ટર છોટા રાજનને જામીન આપતાં મોટી રાહત આપી છે. મધ્ય મુંબઈના ગામદેવીમાં ગોલ્ડન ક્રાઉન હોટેલના માલિક જયા શેટ્ટીની 4 મે, 2001ના રોજ હોટલના પહેલા માળે છોટા રાજનની ગેંગના બે કથિત સભ્યો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને જયા શેટ્ટીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ 30 મે 2024 ના રોજ વિશેષ MCOCA કોર્ટે રાજનને અન્ય લોકો સાથે દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા નાબૂદ કરી છે.
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેંચે છોટા રાજનને જામીન માટે રૂ.1 લાખના બોન્ડ ભરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, છોટા રાજન અન્ય અપરાધિક મામલામાં જેલમાં જ રહેશે. આ પહેલા મે મહિનામાં સ્પેશિયલ કોર્ટે છોટા રાજનને હોટેલિયરની હત્યા કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. છોટા રાજને સજા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગેંગસ્ટરે સજાને સ્થગિત કરવાની અને તેને વચગાળાના જામીન આપવાની માગણી કરી હતી.
કોણ છે છોટા રાજન?
મુંબઈના ચેમ્બુરમાં રહેતા રાજેન્દ્ર સદાશિવ નિખલજેને અંડરવર્લ્ડે છોટા રાજન નામ આપ્યું હતું. શાળા છોડ્યા પછી, રાજેન્દ્ર સદાશિવે ફિલ્મની ટિકિટો બ્લેક કરવાનો ધંધો શરૂ કર્યો અને ધીમે ધીમે રાજન નાયર ગેંગમાં જોડાયો હતો. રાજન નાયરને બડા રાજન કહેતા હતા. રાજને એક છોકરીના પ્રેમમાં ગેંગ શરૂ કરી હતી પરંતુ બાદમાં તેની ગર્લફ્રેન્ડે તેની ગેંગમાં રહેલા અબ્દુલ કુંજુ સાથે લગ્ન કર્યા હતા. આ પછી બડા રાજન અને કુંજુ વચ્ચે દુશ્મની થઈ અને કુંજુએ બડા રાજનની હત્યા કરાવી હતી.
આ પછી છોટા રાજનની વાર્તા શરૂ થાય છે. છોટા રાજન દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં આવ્યો અને બંનેએ સાથે મળીને મુંબઈમાં અંડરવર્લ્ડ સિન્ડિકેટને લાંબા સમય સુધી સંભાળ્યું હતું. દાઉદે છોટા રાજનને તેની ગેંગમાં સામેલ કર્યો હતો અને છોટા રાજને મુંબઈ શહેરમાં દાઉદના નામે આતંક ફેલાવ્યો હતો. તે ખાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન માટે પ્રખ્યાત હતી. છોટા રાજને મુંબઈમાં ખંડણીનો ધંધો સંભાળ્યો અને ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓ પાસેથી ખંડણી પેટે મોટી રકમ વસૂલવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો :- બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લેવા ભીડ એકઠી થઈ, પોલીસે લાઠીચાર્જ કર્યો, 5 ઘાયલ