ગુજરાત

તાપીમાં ડુબી જવાથી બે બાળકોનાં મોત, લાપતા બાળકની શોધખોળ શરુ

Text To Speech

સુરતનાં ઈકબાલનગરના રહિશ ત્રણ બાળકો તાપી નદીમાં ડૂબ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. તાપીમાં ડૂબેલા બાળકોમાંથી 2 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે, જ્યારે એક લાપતા બાળકીની શોધખોળ ચાલી રહી છે. સુરતનાં રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર ગઇકાલે રમી રહેલા 2 બાળકો અને 1 કિશોરી ભરતીને લીધે નદીનાં પાણીમાં ફસાઈ ગયા હતા ત્યારે આ ગોઝારી ઘટનાએ આકાર લીધો હતો.

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે
રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટ પર શુક્રવારે બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમવામાં મશગૂલ હતા, ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે શોધખોળને અંતે બે બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે મોડીસાંજ સુધી કિશોરીની કોઈ ભાળ મળી ન હતી.

લાપતા બાળકની શોધખોળ શરૂ 
બનાવને પગલે રાંદેર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે બાળકોના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો 7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહિમ શાહ અને 14 વર્ષની સાનિયા ફારૂક શેખ બપોરે 3 વાગ્યાના અરસામાં કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યા હતા અને ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

નદીમાં રમવાનો બાળકોનો હતો નિત્યક્રમ
નિયમિત તાપીના પટ પર જતા બાળકો શુક્રવારે બપોરે પણ ગયા હતા. અચાનક જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા. બાળકો કિનારા પર જ હતા પણ આગળ ઊંડો ખાડો હોવાના કારણે પાણીમાં ખેંચાયા પછી ખાડામાં ગરક થઇ ગયા હતા. જેના કારણે નીકળી શક્યા ન હતા. મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનોએ પહોંચી શોધખોળને અંતે મહંમદ કરમઅલી અને શહાદત શાહના જ મૃતદેહ મળ્યા હતા પણ સાનિયાનો મોડી સાંજ સુધી પતો મળ્યો ન હતો.

Back to top button