ગુજરાત: અંકલેશ્વર GIDCની વધુ એક કંપનીમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ
- કેમિકલ ફેક્ટરીમાં દરોડા પાડી 2 કરોડ ઉપરાંતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું
- પોલીસે કંપની સંચાલક સહિત 4ની ધડપકડ કરી છે
- કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાનુ રેકેટ ઝડપાતા અંકલેશ્વરમાં ચકચાર મચી
ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી પકડાવી જાણે સામાન્ય બાબત બની ગઇ હોય તેવુ લાગે છે, કારણ કે પોલીસની સતર્કતાથી હવે વારંવાર આ ગેરકાયદેસર ધમધમતી ડ્ર્ગ્સની ફેકટરીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે જેમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેમાં ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર GIDCની વધુ એક કંપનીમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ હતું. જેમાં સુરત પોલીસે અંકલેશ્વર GIDCની અવસર એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ફેક્ટરીમાં દરોડા પાડી 2 કરોડ ઉપરાંતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડી કંપની સંચાલક સહિત 4ની ધડપકડ કરી છે.
કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાનુ રેકેટ ઝડપાતા અંકલેશ્વરમાં ચકચાર મચી
અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ગત 13 ઓક્ટોબરે આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂ.5 હજાર કરોડનુ કોકેન ઝડપાયું હતું. બાદમાં સોમવારે અંકલેશ્વરની વધુ એક કંપનીમાંથી ડ્રગ્સ બનાવવાનુ રેકેટ ઝડપાતા અંકલેશ્વરમાં ચકચાર મચી ગઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિશાલ પટેલ નામનો શખ્સ અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટમાં અવસર એન્ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં એમડી ડ્રગ્સનો જથ્થો બનાવી તેના માણસો મોન્ટુ પટેલ, વિરાટ પટેલ તથા વિપુલ પટેલ એમડી ડ્રગ્સનો જથ્થો લઇ ભરૂચ પાસિંગની એક કારમાં સાંજના છ વાગ્યાના અરસામાં સુરતમાં રાજ હોટલ થઇ વેલંજા ગામ રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપરથી પસાર થવાના છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત ગ્રામ્ય તથા ભરૂચ એસઓજી પોલીસ એલર્ટ
આ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત ગ્રામ્ય તથા ભરૂચ એસઓજી પોલીસ એલર્ટ થઇ હતી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વેલંજા ગામની સીમમા રાજ હોટલથી રંગોલી ચાર રસ્તા તરફ જવાના રોડ પરથી મોન્ટુ દિલીપભાઇ પટેલ, વિરાટ હસમુખભાઇ પટેલ, વિપુલ જયંતિભાઇ પટેલને 2.031 કિલોગ્રામ રૂ.2.03 કરોડના એમડી ડ્રગ્સ તથા સ્કોડા સ્લાવીયા ફોરવ્હીલ કાર સાથે કુલ રૂ.2.16 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા અને એનડીપીએસ એક્ટ હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: જાફરાબાદના એક ગામમાં સિંહણે 5 વર્ષના બાળકનો શિકાર કર્યો