ગુજરાત: ATM મશીનથી રૂપિયા ઉપાડવા જતા હોય તો સાવધાન રહેજો, જાણો ચોંકાવનારી ઘટના
- એટીએમમાંથી રૂપિયા નિકળ્યા નહિ પરંતુ બેંક ખાતામાંથી રકમ કપાઇ
- પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી
- એટીએમ મશીન સાથે છેડછાડ કરી ચાર શખ્સોએ રૂપિયા ઉપાડી લીધા
ગુજરાતમાં ATM મશીનથી રૂપિયા ઉપાડવા જતા હોય તો સાવધાન રહેજો, જાણો ચોંકાવનારી ઘટના વિશે. જામનગર શહેરના વિસ્તારમાં કલેકટર કચેરી સામે આવેલ એસબીઆઈ બેંકના એટીએમ મશીનના ડીસ્પેન્સર મશીન સાથે છેડછાડ કરી ચાર શખ્સોએ રૂપિયા.22,500 ની રોકડ સેરવી લીધા હોવાનો બનાવની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
એટીએમ મશીન સાથે છેડછાડ કરી ચાર શખ્સોએ રૂપિયા ઉપાડી લીધા
આ અંગે બેંકના મેનેજર હિતેષ નવલભાઈ રાયચુરાએ સીટી બી. ડીવીઝન પોલીસ ષ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ બેંકના ખાતેદાર હરદાસ દેવાયતભાઈ આંબલિયા, રફીક રાઠોડ, બંદરી ફિરોજ, સચીન સોનારે, મિલન ગોંડલિયા અને રામજીભાઈ સોલંકીએ બેંકમાં ફરિયાદ કરી છે કે અમે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતાં. એટીએમમાંથી પૈસા નિકળેલ નથી, પરંતુ અમારા ખાતામાંથી રકમ ઉધાર થઈ ગયેલ છે.
પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી
જેથી બેંક મેનેજર હિતેષભાઈએ એટીએમમાં જઈ ચકાસણી કરતાં કોઈ રકમ એટીએમમમાં વધારે ન મળતાં તેમના દ્વારા એટીએમ મશીનમાં લાગેલ સીસીટીવી કેમરાના ફુટેજની ચકાસણી કરતાં ચાર શખ્સો ડીસ્પેન્સર મશીનમાં છેડછાડ કરી રૂપિયા ઉપાડી લીધા હોવાનું જણાઈ આવતાં હિતેષભાઈએ સીટી બી.ડીવીજન પોલીસ મથકમાં ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો પડ્યો મેઘ