ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો પડ્યો મેઘ

Text To Speech
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
  • સૌથી વધુ સુરતના કામરેજમાં 2.51 ઈંચ, સુરેન્દ્રનગરમાં 1.85 ઈંચ વરસાદ
  • અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી કરાઇ

ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થયુ છે તો પણ વરસાદ હજુ આવી રહ્યો છે. જેમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 2.51 ઈંચ, સુરેન્દ્રનગરમાં 1.85 ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં 1.37 ઈંચ વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં ડાંગ, તાપી, દમણ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી દ્વારકા, બોટાદ તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનશે

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, આજથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાત: વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના બે મોટા માર્કેટ યાર્ડે લીધો નિર્ણય 

Back to top button